ઓસી ક્રિકેટરે મને `ઓસામા'' કહ્યો હતો : મોઈન અલી

ઓસી ક્રિકેટરે મને `ઓસામા'' કહ્યો હતો : મોઈન અલી
ઈંગ્લૅન્ડના ખેલાડીના દાવા બાદ ઓસી બોર્ડે સ્પષ્ટતા માગી
લંડન, તા. 1પ : ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટીમને અસભ્ય ગણાવીને દાવો કર્યો હતો કે 201પની  એશિઝ શ્રેણી દરમ્યાન ઓસી ક્રિકેટરે મને ઓસામા કહ્યો હતો. દરમ્યાન, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના બોર્ડ પાસે આ મામલાની સ્પષ્ટતા માગી છે.
એક ઈન્ટરવ્યૂમાં મોઈને દાવો કર્યો હતો કે વ્યક્તિગત પ્રદર્શનના આધારે એશિઝ સિરીઝ મારા માટે શાનદાર રહી પણ એક ઘટનાએ મારું ધ્યાન ભટકાવી દીધું. મેચ દરમ્યાન એક ઓસ્ટ્રેલિયન ખેલાડી મારા તરફ ફર્યો અને કહ્યું, આ લે ઓસામા. એક ક્ષણ તો મને વિશ્વાસ ન થયો કે તેણે મને આમ કહ્યું. હું ક્રોધથી રાતોચોળ થઈ ગયો હતો. મેં મારા સાથી ક્રિકેટરોને કહ્યું અને મને એમ છે કે કોચ ટ્રેવર બેલિસે ઓસ્ટ્રેલિયાના સમકક્ષ ડેરેન લેહમાન સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. લેહમાને એ ઓસી ખેલાડીને પૂછ્યું તો તેણે ઓસામા સંબોધનનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે તેણે મને પાર્ટ ટાઈમર કહ્યો હતો. 
અલીએ જણાવ્યું હતું કે, 201પના વર્લ્ડકપ પહેલાં હું ઓસી સામે પહેલી મેચ રમ્યો ત્યારે તેઓ મને પરેશાન કરતા હતા અને ગાળો બોલતા હતા. તેઓ ખરાબ વ્યવહાર કરે છે એટલે મને ગમતા નથી.  દરમ્યાન, ઓસી બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, તાત્કાલિક ધોરણે ઈંગ્લેન્ડ બોર્ડ સાથે વાત કરીને સ્પષ્ટતા માગવામાં આવશે. આવી ટિપ્પણી અસ્વીકાર્ય છે. અમે આ બાબતને ગંભીરતાથી લઈએ છીએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer