કાશ્મીરના કુલગામમાં પાંચ આતંકવાદી ઠાર

48 કલાકની અંદર સુરક્ષા દળોએ કર્યો 15 આતંકીનો ખાતમો : મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
શ્રીનગર, તા. 15 : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે આતંકવાદ વિરોધી અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાં એક પછી એક સક્રિય આતંકવાદીનો સફાયો થઈ રહ્યો છે. ગત ગુરુવારના રોજ કકરિયાલમાં 3 આતંકી ઠાર થયા બાદ આજે શનિવારે કુલગામના ચૌગામમાં સુરક્ષા દળોએ મોટું અભિયાન છેડયું હતું અને એન્કાઉન્ટરમાં કુલ પાંચ આતંકવાદીનો સફાયો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં બે જવાનોને ઈજા પહોંચી હતી. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. અથડામણને પગલે કોઈ હિંસક બનાવ ન બને તે માટે બારામુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવા રોકી દેવામાં આવી હતી. આ સાથે 48 કલાકના સમયગાળામાં સુરક્ષા દળોએ ઘાટીમાં સક્રિય એવા 15 આતંકવાદીનો ખાત્મો કરી નાખ્યો છે. 
કાશ્મીરના આઈજી એસપી પાનીએ કહ્યું હતું કે, કુલગામના ચૌગામમાં કુલ 5 આતંકવાદીનો સફાયો કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદી ઘાટીમાં સક્રિય હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.  આ ઉપરાંત ઢેર થયેલા તમામ આતંકવાદીની ઓળખ પણ કરી લેવામાં આવી હતી. જેમાં ગુલઝાર અહેમદ પાડર, ફૈસલ અહેમદ રાઠેર, જાહિદ અહેમદ મીર, મસરુર મૌલવી અને જહૂર અમદ લોનનો સમાવેશ થાય છે. આ અગાઉ શનિવારે સવારે ચૌગામમાં આતંકી છુપાયા હોવાની બાતમીના આધાર સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓના ઠેકાણાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી નાગરીકોને દુર કરવામાં આવ્યા હતા અને પછી એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. એક ગ્રામીણે સુરક્ષા દળોને કહ્યું હતું કે, બુધવારે રાત્રીના ત્રણ હથિયારબંધ આતંકવાદી ઘરમાં પ્રવેશ્યા હતા અને કપડા બદલી, જમીને નાસી છુટયા હતા.
આ દરમિયાન પોલીસે કહ્યું હતું કે, એન્કાઉન્ટર બાદ કાયદો વ્યવસ્થાને ધ્યાને લઈને બારામુલા અને કાજીગુંડ વચ્ચેની ટ્રેન સેવાને રોકી દેવામાં આવી હતી. આઈજી પાનીના કહેવા પ્રમાણે ઠાર થયેલા આતંકવાદી નાગરીકો ઉપર અત્યાચાર, સુરક્ષાદળો ઉપર હુમલા, બેંક લુંટ સહિતના બનાવોમાં સામેલ હતા. તેઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer