દાભોળકર હત્યાકેસના આરોપીએ ચાર ફાયર આર્મ્સ ખાડીમાં ફેંકી દીધા હતા

સીબીઆઇએ અદાલતમાં માહિતી આપી
પુણે, તા. 15 (પીટીઆઇ) : રૅશનલિસ્ટ નરેન્દ્ર દાભોળકરની હત્યા સાથે સંકળાયેલા આરોપી શરદ કળસકરે ચાર ફાયર આર્મ્સ ગત જુલાઈમાં મુંબઈ પાસેની ખાડીમાં ફેંકી દીધા હતા એમ આજે સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ અદાલતને જણાવ્યું હતું.
સીબીઆઇએ અદાલતને જણાવ્યું હતું કે કળસકરે ફાયર આર્મ્સ ખાડીમાં ફેંકી દીધા ત્યારે અૉગસ્ટમાં શસ્ત્રો-સ્ફોટકો રાખવા બદલ નાલાસોપારામાંથી ઍન્ટિ ટેરરિઝમ સ્કવૉડે પકડેલો વૈભવ રાઉત પણ તેની સાથે હતો. જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એસએઁમએ સૈયદે કળસકરની કસ્ટડી 17 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.
સીબીઆઇના ધારાશાસ્ત્રી વિજયકુમાર ઢાકણેએ અદાલતને જણાવ્યું હતું કે ગઈ 23મી જુલાઈએ કળસકર અને રાઉતે પુણેથી મુંબઈ જતા માર્ગે નાલાસોપારા પાસેના પુલ ઉપરથી ખાડીમાં ફાયર આર્મ્સ ફેંકી દીધા હતા. પુલ ઉપર ચોક્કસ કઈ જગ્યાએથી ફાયર આર્મ્સ ખાડીમાં ફેંકવામાં આવ્યા એ અમારે શોધવાનું બાકી છે. આરોપીઓ રાતના સમયે પ્રવાસ કરતા હોવાથી ફાયર આર્મ્સ ખાડીમાં ફેંક્યા એ પુલ કળવા, ઘોડબંદર કે અન્ય કોઈ હતો એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. એ ચાર ફાયર આર્મ્સમાં નરેન્દ્ર દાભોળકરની હત્યા માટે વાપરવામાં આવેલા એક ફાયર આર્મ્સનો સમાવેશ થતો હોવાની સીબીઆઇને શંકા છે. બેંગલુરુમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા અંગે અમોલ કાળેની ધરપકડ થઈ એ પછી કળસકર અને રાઉતના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવી સ્થિતિ છે. કાળેની ધરપકડ ગયા મે મહિનામાં કર્ણાટકની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી. દાભોળકર ઓમકારેશ્વર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણી વ્યક્તિએ તેમના ભણી સન્માનપૂર્વક હાથ ઊંચો કર્યો હતો ત્યારે દાભોળકર ભણી કળસકરે ગોળીઓ છોડીને તેમને ઠાર કર્યા હતા. તેઓ પડી ગયા પછી ઍન્ડ્રુએ પણ ગોળીઓ છોડી હતી એમ ઢાકણેએ ઉમેર્યું હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer