વાહનોના પાર્કિંગની સમસ્યા દૂર કરવા કેટલાંક હેરિટેજ મેદાનોમાં બનાવાશે ભૂગર્ભ પાર્કિંગ લોટ જોકે નવ મેદાનોને બાકાત રખાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : રસ્તા પરની ગીચતા ઘટાડવા તેમ જ વધુ પાર્કિંગ લોટ નિર્માણ કરવા મુંબઈ મહાનગરપાલિકા શહેરનાં કેટલાંક હેરિટેજ મેદાનોમાં ભૂગર્ભ પાર્કિંગ લોટ બનાવે એવી સંભાવના છે. આના પ્રથમ ચરણમાં રાજ્ય સરકારે હેરિટેજ સાઇટ તરીકે નિર્દેશિત કરેલાં મેદાનોમાં ભૂગર્ભ પાર્કિંગની મનાઈ ફરમાવનારી ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ (ડીસીઆર)માંની મુખ્ય જોગવાઇને પડતી મૂકી છે.
ભાયખલાસ્થિત ઝુલા મેદાન તેમ જ બાંદરાના પટવર્ધન પાર્કસહિત કમ સે કમ બે ડઝન જેટલાં મેદાનો આને કારણે પોતાની આગવી ઓળખ ગુમાવશે. જોકે દક્ષિણ મુંબઈના ઓવલ મેદાન, આઝાદ મેદાન અને ક્રોસ મેદાન ઉપરાંત દાદરના શિવાજી પાર્ક, વરલીના જાંબોરી મેદાન, પરેલના નરે પાર્ક અને ઘાટકોપરના પોલીસ પરેડ ગ્રાઉન્ડને આમાંથી બાકાત રખાયાં છે. આ પ્રકારનાં કુલ નવ આઇકોનિક મેદાનોમાં ભૂગર્ભ પાર્કિંગની મંજૂરી નહીં અપાય.
ચાલુ વર્ષના પ્રારંભે પાલિકાએ ગ્રેડ-ટુ `એ' હેરિટેજ સાઇટ એવા ઝૂલા મેદાન પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીએ આ દરખાસ્તનો આદર કર્યો હતો. `મૂળ જોગવાઈ જ પડતી મૂકવામાં આવી હોવાથી કમિટીએ હવે એનઓસી આપ્યા વિના છૂટકો નથી' એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાનાં આ મેદાનો 4000 ચો.મી.માં ફેલાયેલાં હોઈ તેને આશા છે કે ઝૂલા મેદાનમાં ભૂગર્ભ પાર્કિંગ લોટ બનાવવાથી શહેરમાં પ્રવર્તતી પાર્કિંગની તીવ્ર ખેંચ ઓછી થશે. અંદાજે રૂપિયા 55 કરોડના ખર્ચમાં મેદાનના સુશોભિકરણનો પણ સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ માટે હાફીઝ કોન્ટ્રેક્ટરની ટીમે પ્લાન બનાવી દીધો છે. જેમાં વાહનોની આવજા માટે રેમ્પ, લિફ્ટ અને જાહેર શૌચાલય ઇત્યાદિનો સમાવેશ થાય છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer