મહારાષ્ટ્રમાં એમઆઈએમ અને ભારિપ વચ્ચે ચૂંટણી સમજૂતી

અમારા પ્રતિનિધિ તરફથી
ઔરંગાબાદ, તા. 15 : મહારાષ્ટ્રમાં મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન (એમઆઈએમ) અને પ્રકાશ આંબેડકરના વડપણ હેઠળનો ભારતીય રિપબ્લિકન પક્ષ બહુજન મહાસંઘ સાથે મળીને ચૂંટણી લડવાનાં છે. ગાંધી જયંતીએ બીજી અૉક્ટોબરે ઔરંગાબાદમાં જબિંદા લૉન્સ પર આ બંને પક્ષોની પ્રથમ સંયુક્ત સભા યોજાશે, એવું એમઆઈએમના વિધાનસભ્ય ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું.
આ પૂર્વે બીજી અૉક્ટોબરે સવારે એમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને પ્રકાશ આંબેડકર વચ્ચે યુતિની પ્રથમ બેઠક યોજાશે. પુણેના પ્રકાશ આંબેડકરના નિવાસસ્થાને ચૂંટણી સમજૂતી સંદર્ભે બે વખત બેઠક યોજાઈ હતી. એ યુતિનું નેતૃત્વ પ્રકાશ આંબેડકર કરવાના છે, અને એમાં મહાનગરપાલિકા, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભેગાં મળીને લડશે. અહમદનગર મહાપાલિકામાં યુતિનો આ પહેલો પ્રયોગ કરવામાં આવશે, અને રાજ્યના દલિતો અને મુસ્લિમોના મતો એકત્રિત કરવાના પ્રયત્ન આ યુતિ થકી કરવામાં આવશે. આ યુતિથી કૉંગ્રેસ સહિત અનેક પક્ષોને ફટકો પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં એમઆઈએમના ઔરંગાબાદમાં ઇમ્તિયાઝ જલીલ અને મુંબઈમાં ભાયખલા મતદાર વિસ્તારમાં વારિસ પઠાણ એ બે વિધાનસભ્યો છે, એમઆઈએમના ઔરંગાબાદ મહાપાલિકામાં 25 નગરસેવકો છે. મુસ્લિમ યુવાનો મોટા પ્રમાણમાં આઈએમઆઈ તરફ આકર્ષાયા છે.
ઓવૈસીબંધુઓની સભામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી આવે છે એટલે આ સમજૂતીથી મતોનું વિભાજન ટાળવાના પ્રયત્ન કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer