ગણેશોત્સવની ભીડનો લાભ લઈ કલ્યાણના એપીએમસી બજારમાં 28 મોબાઈલની ચોરી

કલ્યાણ, તા. 15 : કલ્યાણના એપીએમસી બજારમાં ગણેશચતુર્થીને લીધે ફૂલના સ્ટોલમાં ભારે ગરદી થાય છે, જેનો ફાયદો ચોર ઉઠાવે છે. આ વિસ્તારમાં છેલ્લા અમુક દિવસોમાં 28 શ્રદ્ધાળુઓના મોબાઈલ ફોનની ચોરી થઈ છે. 
કલ્યાણના બઝારપથ પોલીસે બે અલગ એફઆઈઆર નોંધી છે. આવા પ્રકારની ચોરી ફરી થાય નહીં એ માટે પોલીસે તહેવારોની સિઝન પૂરી થાય નહીં ત્યાં સુધી પોલીસની ટીમ આ બજારમાં ચાંપતી નજર રાખશે. 
પોલીસનું કહેવું છે કે, 28 મોબાઈલની ચોરી સવારે સાતથી રાતના આઠ વાગ્યાની વચ્ચે થઈ છે. કલ્યાણ અને આસપાસના વિસ્તાર જેવા કે, ડોંબિવલી, ઉલ્હાસનગર, ટિટવાલા અને મુરબાદથી એપીએમસીમાં ફૂલની ખરીદી કરવા આવેલા લોકોના મોબાઈલની ચોરી થઈ છે. 
એક ફરિયાદી અર્જુન મ્હાત્રેએ કહ્યું કે, હું ફૂલની ખરીદી કર્યા પછી બજારની બહાર આવ્યો ત્યારે મને ખબર પડી કે મારો મોબાઈલ ચોરાઈ ગયો છે. આવી જ રીતે કલ્યાણ પૂર્વના નેતીવલી વિસ્તારના રમેશ અંબારેએ કહ્યું કે, ફૂલની ખરીદી કર્યાં પહેલાં જ મોબાઈલની ચોરી થઈ હતી.
ઉલ્હાસનગરના એક વેપારી મનોહર ભાટિયાની મોટરસાઈકલ પણ ચોરી થઈ છે. તેમનું કહેવું છે કે તેમણે બજારના બહારના વિસ્તારમાં મોટરસાઈકલ પાર્ક હતી. ફૂલોની ખરીદી કર્યાં બાદ બજારની બહાર આવતા તેમની મોટરસાઈકલ ગાયબ હતી. કલ્યાણના આસિસ્ટન્ટ કમિશનર અૉફ પોલીસ ડીબી કાંબળેએ કહ્યું કે, અમે પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે, જે સાદા પહેરવેશમાં છે. અમે બજારમાં પણ સતત જાહેરાત કરીએ છીએ કે ખરીદદારો પોતાની મૂલ્યવાન વસ્તુઓનું ધ્યાન રાખે. આ ચોરોને પકડવા માટે એક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer