મુંબઈ-સુરત વચ્ચે અપ-ડાઉન કરનારાઓ માટે ફર્સ્ટ કલાસના નવા આકર્ષક ડબા જોડાશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : પશ્ચિમ રેલવેમાં સુરત-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસના પાસધારકો માટે નવા આકર્ષક ડબા જોડવામાં આવશે. તે માર્ગ પરની ટ્રેનોમાંના ફર્સ્ટ ક્લાસના ડબાનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હોવાથી હવે આ નવી સુવિધા આપવામાં આવશે. અત્યારે ફર્સ્ટ ક્લાસના પ્રવાસીઓએ જનરલ ડબામાં બેસવું પડે છે, કારણ કે ફર્સ્ટ ક્લાસનો ડબો એ ટ્રેનોમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. ફર્સ્ટ ક્લાસના પાસધારકોને વેઠવી પડતી તકલીફોને ધ્યાનમાં લઈ હવે તેઓ માટે નવા આકર્ષક ડબા જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ-સુરત વચ્ચે દોડતી એક્સ‰પ્રેસ ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસના ડબા કાઢી લઈને એ પ્રવાસીઓને જનરલ ડબામાં સ્વતંત્ર રીતે બેસવાની સુવિધા કરી આપવામાં આવી છે, પરંતુ એમાં દરરોજ વિખવાદ અને ઝઘડા થાય તેથી પશ્ચિમ રેલવેએ નવા આકર્ષક ડબા ફર્સ્ટ ક્લાસના પાસધારકોને માટે જોડવાનું નક્કી કર્યું છે. પશ્ચિમ રેલવેએ આ ફેરફાર કરતી વખતે મુંબઈ સેન્ટ્રલના કોચિંગ વિભાગની મદદ લીધી હતી. ફર્સ્ટ ક્લાસના નવા ડબા રંગબેરંગી ચિત્રો વડે સજાવાયા છે. સોમવારથી બાંદરા ટર્મિનસથી ઊપડનારી સુરત ઇન્ટરસિટી એક્સ્પ્રેસમાં નવા ડબા જોડાશે. ત્યારબાદ ફ્લાઇંગ રાણી અને વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં પણ ફેરફાર કરવામાં આવશે. ફર્સ્ટ ક્લાસના નવા આકર્ષક ડબામાં ઉત્તમ દરજ્જાની બેઠકો, સામાન મૂકવા માટેની અભરાઈ, એલઈડી, મોબાઇલ-ચાર્જિંગ તથા બાયો-ટૉયલેટ્સ વગેરે સુવિધા હશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer