રૅશનની દુકાનો બંધ કરવાની હિલચાલ સામે મહારાષ્ટ્રભરમાં શુક્રવારે ધરણા

આઝાદ મેદાન અને મહાલક્ષ્મી પરિસરથી શરૂઆત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) દ્વારા થતા અનાજ પુરવઠાને બદલે નાણાં ટ્રાન્સફર કરવાનો રાજ્યનો નિર્ણય રાજ્યના પીડીએસ એક્ટિવિસ્ટોના જૂથને અન્ન અધિકાર અભિયાન (એએએ)ને ગમ્યો નથી.
સૂચિત ગ્રુપ પીડીએસના વિસર્જનનો વિરોધ દર્શાવવા 21મી સપ્ટેમ્બરે રાજ્યમાં ધરણા કરશે. તેમનું કહેવું છે કે રાજ્યના આ નિર્ણયથી પીડીએસના લાભાર્થીઓએ બજારમાંથી અનાજની ખરીદી માટે વધુ ભાવ ચૂકવવો પડશે.
21મી અૉગસ્ટે મહારાષ્ટ્ર સરકારે ડાયરેકટ મની ટ્રાન્સફરનો પાઈલટ પ્રોજેક્ટ શહેરની મહાલક્ષ્મી અને આઝાદ મેદાનની પીડીએસની દુકાનમાં શરૂ કરવા ગવર્નમેન્ટ રેગ્યુલેશન (જીઆર) એ રજૂ કર્યો હતો. ત્યાર બાદ રાજ્યએ અમેરિકાસ્થિત અબ્દુલ લતીફ પોવર્ટી એકશન લેબ સાથે સમજૂતી કરાર કર્યા હતા.
એએએના ઉલ્કા મહાજને કહ્યું હતું કે આ પગલું સ્પષ્ટપણે પીડીએસને નિરુપયોગી બનાવવાનું છે. અમે સરકારના આદેશ સામે સમૂહમાં આંદોલન કરવાનું આયોજન કરી રહ્યા છીએ, કેમ કે નાણાં ટ્રાન્સફર કરવાની યોજના નેશનલ ફૂડ સિક્યોરિટી એકટને હળવો બનાવી દેશે. જોકે, સરકારે જણાવ્યું હતું કે તે અનાજ માટે લઘુતમ ટેકાનો ભાવ આપશે, જે લાભાર્થીઓ માટે વધુ મોંઘું પડશે. તેણે અભ્યાસને દર્શાવતા કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં 91 ટકા લોકો, ઓડિશાના 88 ટકા, છત્તીસગઢના 90 ટકા, હિમાચલ પ્રદેશના 81 ટકા લોકોને જ પીડીએસના અનાજની જરૂર છે. એ નોંધવા જેવી વાત છે કે માણસ માત્ર નાણાંને જ અગ્રીમતા આપે છે, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.
આ પદ્ધતિમાં સુધારની માગ માટે અભિયાનની મુક્તા શ્રીવાસ્તવે કહ્યું હતું કે સૂચિત પદ્ધતિનો અમલ અધૂરો છે. ગરીબોની ઓળખ, અનિયમિત પુરવઠો અને અનાજનો બગાડ બાકાત રહ્યો છે અથવા તો ધ્યાનમાં લેવાયા નથી. સરકારે તે બધાનો પ્રથમ ઉકેલ લાવવાની જરૂર છે. પીડીએસ ગરીબોને અનાજ પૂરું પાડતું હોવાથી તેમાં વધુ ઉત્તરદાયિત્વની જરૂર છે, એમ શ્રીવાસ્તવે કહ્યું હતું.
આંદોલનકારીઓએ કહ્યું હતું કે આ કામગીરીથી અનાજની ખરીદી અને વહેંચણીની કામગીરી નિરુપયોગી બની જશે. તેઓ પણ સમજી શકતા નથી કે શા માટે સરકારે નિર્ણય લેવા અગાઉ સામાજિક સંસ્થાઓ અને ખેડૂતોનાં સંગઠનો જેવા હિતધારકોને વિશ્વાસમાં લીધા નથી.
નાણાંની રોકડ અનાજ સુરક્ષાની બાંયધરી આપતું નથી. નાણાં ટ્રાન્સફર કરવાથી તે અનાજની ખરીદી માટે જ વપરાશે તેની કોઈ જ બાંયધરી નથી. ગરીબ પરિવારો આમ પણ દેવાંના બોજ હેઠળ પીડાતા હોય છે અને સામાન્ય રીતે અન્ય ખર્ચાઓ માટે તેમને નાણાંની તાત્કાલિક આવશ્યકતા હોય છે. એક વખત નાણાં ટ્રાન્સફર શરૂ થાય પછી તે પ્રમાણ નિશ્ચિત જ રહેશે અને ફુગાવાને અનુરૂપ નહીં હોય. આથી વધતા ભાવ સામે ગરીબ પરિવારોને રક્ષણ નહીં મળે, એમ મહાજને કહ્યું હતું.
રૅશનમાં અનાજના વિકલ્પમાં નાણાં આપવાની યોજના ગ્રાહકોને મંજૂર નથી: નવીન મારૂ
મુંબઈ રેશન દુકાનદાર સંગઠનાના પ્રમુખ નવીન મારૂએ જાહેર વિતરણ વ્યવસ્થા મારફત અનાજ વિતરણ કરાય છે તેમાં સરકાર ફેરફાર કરવા માગે છે તે મુજબ ગ્રાહકને અનાજ અથવા સબસિડીની રકમ આપવાની વાત છે. એ માટે રેશનગ્રાહકને ફોર્મ ભરીને પોતાની પસંદગી દર્શાવવાની છે.
નવીન મારૂએ કહ્યું કે ગ્રાહકોને નાણાં આપવાનો નિર્ણય યોગ્ય નથી. ગ્રાહકો પોતે તેનો વિરોધ કરે છે અને કહે છે કે અમને પૈસા નહિ અનાજ આપો. મુંબઈ કાર્ડધારક સંગઠના આ બાબત જુદી-જુદી જગ્યાએ બેઠકો યોજે છે. સોમવારે ધારાવીમાં એ પછી કોલાબામાં યોજાશે.
તેમણે કહ્યું કે હાલમાં રેશનિંગ મારફત જણદીઠ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા દર મહિને આપે છે. ઘરમાં જણ સંખ્યા હોય તે પ્રમાણે ઓછાં વત્તાં પ્રમાણમાં પુરવઠો અપાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer