વડોદરામાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 15 : વડોદરાના લાલબાગ કુંભારવાડામાં ગણેશની સ્થાપના પ્રસંગે ડીજે સિસ્ટમ બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થતા ભાગદોડ મચી હતી. પોલીસવાનના કાચનો ભુકકો બોલી ગયો હતો. લોકરક્ષકને લાફો ઝીંકી દીધા બાદ યુનિફોર્મને નુકસાન પહોંચાડવાનો આરોપ ધરાવતા ટોળા વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તોફાની શખસોની ધરપકડ કરી હતી. 
પ્રાપ્ત માહિતીનુસાર નવાપુરા પોલીસ મથકના એએસઆઈ બિંદુભાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમ્યાન મોડી રાત્રે લાલબાગ કુભારવાડામાં ગણપતિ સ્થાપના પ્રસંગે યુવક મંડળના સભ્યો દ્વારા ડીજે સિસ્ટમ વગાડવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા નવાપુરા પોલીસને સંદેશો પાઠવી દેવામાં આવ્યો હતો. પીસી આર વાનના એએસઆઈ બિંદુભાઈને સંદેશો મળતા તેઓ લાલબાગ કુંભારવાડા ખાતે પહોંચી ગયા હતા. પોલીસને જોતા જ ટોળાએ પથ્થરમારો કરતા પીસીઆર વાનના કાચનો ભુકકો બોલી ગયો હતો. તેમ જ લોકરક્ષકની ફેટ પકડી લઈ લાફો ઝીંકી દીધા પછી યુનિફોર્મની ખેંચતાણ કરતા નુકસાન થયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer