લકનઊની જમીનના કેસમાં માલ્યાની મદદ માટે રાહુલ, આઝાદે પ્રયાસ કર્યો હતો

ઉત્તર પ્રદેશ શિઆ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવીનો આક્ષેપ
લકનઊ, તા. 15 : વિજય માલ્યાની ડિસ્ટિલરી (શરાબ ઉત્પાદન કરતું એકમ) મેરઠમાં જ્યાં આવેલી છે તે વકફ બોર્ડની જમીન મેળવી આપવા માટે કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે હસ્તક્ષેપ કર્યો હતો એવા શિઆ વકફ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવીએ આક્ષેપ કરવાને લીધે ઉત્તર પ્રદેશમાં વાક્યુદ્ધ સર્જાયું છે.
એક પ્લોટ માટે ઍડ. લાલા હંસરાજ અને તેમના પુત્ર તથા શિઆ વકફ બોર્ડ વચ્ચે 1937માં થયેલા ડીડ (ખતપત્ર)ને ટાંકીને, શિઆ વકફ બોર્ડે 15 જુલાઈ, 2015ના રોજ માલ્યાને નોટિસ પાઠવીને તેમણે યુનાઇટેડ સ્પિરિટ્સ ડિસ્ટિલરી `ગેરકાયદે' શા માટે ઊભી કરી તે અંગે પોતાનો કેસ રજૂ કરવા જણાવ્યું હતું. ટ્રસ્ટે દોહરાવ્યું છે કે શિઆ વકફ બોર્ડ પાસે રજિસ્ટર થયા બાદ છેક એપ્રિલ, 1918થી આ જમીન તેની માલિકીની છે.
રિઝવીએ હવે 22 ફેબ્રુઆરી, 2016નો પત્ર રજૂ કર્યો છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલને લખાયેલા આ પત્રમાં આઝાદનો અછડતો ઉલ્લેખ છે. આ પત્ર મેરઠના તત્કાલીન સિનિયર સુપરિન્ટેન્ડન્ટ અૉફ પોલીસ ડી.સી. દૂબે વિરુદ્ધ ફરિયાદને લગતો છે. પત્રમાં જણાવાયું છે કે યુનાઇટેડ સ્પિરિટ્સની વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવાની તત્કાલીન ઍડ્વોકેટ જનરલ કમરૂલ હસન સિદ્દીકીએ ભલામણ કરી હોવા છતાં કોઈ પગલાં નહોતાં લેવાયાં.
રિઝવીએ પત્રમાં લખ્યું છે કે ટ્રસ્ટની મિલકત પર ગેરકાયદે કબજો કરાયો છે. યુનાઇટેડ સ્પિરિટ્સ દ્વારા મિલકત કબજે કરાઈ છે. કંકરખેરા, મેરઠ ખાતે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો અને તે સંબંધમાં ડી.સી. દૂબેને પત્રો પાઠવ્યા હતા. આઝાદ અને રાહુલ ગાંધી તરફથી અમુક દબાણ કરાયું હતું પરંતુ બોર્ડે નમતું નહોતું જોખ્યું. બોર્ડના સભ્યો દૂબેને મળ્યા હતા પરંતુ તેમણે અમારી વાત સાંભળવાનું નકાર્યું હતું અને તેથી એવી શંકા જન્મી છે કે શું દૂબે અને યુનાઇટેડ સ્પિરિટ્સની વચ્ચે સ્થાપિત હિત હતું.
રિઝવીના આક્ષેપોને આઝાદે એવું કહીને રદિયો આપ્યો હતો કે તેઓ રિઝવીને ઓળખે છે, ન તો માલ્યાને ઓળખે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer