શૅરબજારમાં મિશ્ર સંકેત : સાવધાની જરૂરી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'    મુંબઈ, શનિવાર
શૅરબજારમાં અઠવાડિયાના અંતિમ દિવસે મોટો ઉછાળો (નિફટી 145 પૉઈન્ટ) આવ્યો હતો. સતત બીજા દિવસે વધેલા શૅરબજારને લીધે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. રૂપિયાના મૂલ્યમાં સુધારો, ક્રૂડતેલના ભાવ અને સરકારી બોન્ડના યીલ્ડની અસરથી બજાર સુધર્યું હતું. વડા પ્રધાન મોદી અને ઉચ્ચ સરકારી અધિકારીઓની આગામી બેઠકમાં સકારાત્મક નિર્ણયોની સંભાવનાથી બજારમાં સકારાત્મક સંકેત છે, જ્યારે અમેરિકા-ચીને પુન: ટ્રેડ વૉર બાબતે વાટાઘાટ શરૂ કરવાની જાણ થવાથી પણ સેન્ટિમેન્ટ સુધર્યું છે. આગામી સપ્તાહ માટે બજારના કેટલાક અનુભવીઓ હવે સુધારો જોઈ રહ્યા છે, પરંતુ કેટલાક એનલિસ્ટ હજુ અંતિમ ચેતવણીનો સૂર ઉચ્ચારે છે.
અઠવાડિયાના અંતિમ દિવસે નિફટી 145 પૉઈન્ટ વધીને 11515 બંધ હતો. અગાઉ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી થયેલ સેન્સેક્ષનું ધોવાણ અઠવાડિયા અંતે બે દિવસમાં બેતૃતીયાંશ રિકવર થયું હતું, જ્યારે રૂપિયો 72.69 થયા પછી પુન: સુધરીને 71.85 આવવા સાથે ક્રૂડતેલ પણ ઘટીને બેરલ દીઠ 78 કવોટ થયું હતું. જીઓજીત ફાઈનાન્સિયલના વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે રૂપિયાની રિકવરી અને ફુગાવો ઘટવાથી બજાર પુન: સુધારાના પંથે છે.
આગામી અઠવાડિયા દરમિયાન શૅરબજારમાં અમેરિકા-ચીનની ટ્રેડ વૉર બાબતે વાટાઘાટ અને કરન્સી બોન્ડની સ્થિરતા બજારમાં સકારાત્મકતા ચાલુ રહેવાના સંકેત ગણાશે. સપ્તાહના અંતે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની નેટ રૂા. 10.9 અબજની ખરીદી બજારની મજબૂતાઈ દર્શાવે છે.
બજારમાં છેલ્લા દિવસે નિફટી મિડકેપ અને સ્મોલકેપ શૅર ઈન્ડેક્ષ અનુક્રમે 1.8 અને 1.5 ટકા સુધારે હતા. જ્યારે વોલાટિલિટી ઈન્ડેક્ષ 3 ટકા ઘટયો હતો. સેન્સેક્ષના અગ્રણી શૅરોમાં વેદાન્તા 5 ટકા વધવા સાથે પાવરગ્રીડ 3.6 ટકા વધ્યો હતો. 1811 શૅરના સુધારા સામે 850 શૅરના ભાવ ઘટયા હતા.
સેમ્કો સિક્યોરિટીઝના સીઈઓ જિમીત મોદીએ જણાવ્યું છે કે આ પ્રત્યાઘાતી સુધારો નવી રૅલીની શરૂઆત નથી. આગામી ફેડ રિઝર્વ બેઠક અને વૈશ્વિક પરિબળોની સ્થિતિ બજારની આગામી ચાલ નક્કી કરશે. જેથી નફા તારવણી સૌથી લાભદાયક રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer