`મોદી સરકાર મેકિંગ ઇન્ડિયા પર કામ કરે છે, કૉંગ્રેસ દેશ તોડવાનું કામ કરે છે''

`મોદી સરકાર મેકિંગ ઇન્ડિયા પર કામ કરે છે, કૉંગ્રેસ દેશ તોડવાનું કામ કરે છે''
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિપક્ષ પર અમિત શાહના પ્રહાર
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 8 : ભાજપની  રાષ્ટ્રીય કારોબારીની બેઠકના ઉદ્ઘાટન પ્રવચનમાં પક્ષપ્રમુખ અમિત શાહે પક્ષના કાર્યકરોને જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ઉપલબ્ધિઓ તથા પક્ષની સંગઠન શક્તિના આધારે લડવામાં આવશે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય સંસદમાં પાછલાં અનેક વર્ષોથી શીતાગારમાં હતો, પરંતુ અમે તેનો અમલ કર્યો. મોદી સરકાર `મેઇક ઇન ઇન્ડિયા' બનાવી રહી છે, જ્યારે કૉંગ્રેસ `બ્રેક ઇન ઇન્ડિયા'માં વ્યસ્ત છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ અત્રે પ્રથમ વખત મળી રહેલી બેઠકને સંબોધતાં અમિત શાહે કૉંગ્રેસ અને વિપક્ષોના મહાગઠબંધનને જુઠ્ઠાણાં પર આધારિત દંભ તરીકે ઓળખાવ્યો હતો અને કહ્યું હતું કે આવા મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષોની વિરુદ્ધ ભાજપ ચૂંટણીમાં જીત્યો છે અને રાજ્યોમાં સત્તારૂઢ છે.
ભાષણની શરૂઆતમાં વાજપેયીનું વ્યક્તિત્વ તથા તેમના કાર્યકાળને વખાણતાં અમિત શાહે જણાવ્યું હતું કે વાજપેયીના નિધનથી સર્જાયેલા શૂન્યાવકાશને પૂરવો સંભવ નથી. વાજપેયી વિશે કહેવા માટે આજે મારી પાસે શબ્દો નથી.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં સમાપન થયેલા સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી, પરંતુ આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટેની આવશ્યક શરતોને કૉંગ્રેસ અને વિપક્ષોએ પૂર્ણ નહોતી કરી. તે છતાં સરકારે તત્કાળ ચર્ચા માટે તૈયારી દર્શાવી અને ચર્ચા પછી સંપૂર્ણ બહુમતીથી દરખાસ્તને ફગાવી દેવાઈ. અવિશ્વાસની આવી દરખાસ્ત લાવવા પૂર્વે એવું ધ્યાનમાં લેવાય છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે અથવા દેશમાં અસ્થિરતાનું વાતાવરણ નિર્માણ થયું છે, પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ નહોતી.
મોદી સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતાં અમિત શાહે જણાવ્યું કે સરકારે અનેક લોકકલ્યાણકારી કાર્યક્રમ અને યોજનાઓને અમલમાં મૂકી છે અને તેનાં સારાં પરિણામ પણ નજરે પડી રહ્યાં છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer