શિક્ષણમાં સખાવત કરવા અલીબાબાના ટોચના પદેથી જેક મા નિવૃત્ત

શિક્ષણમાં સખાવત કરવા અલીબાબાના ટોચના પદેથી જેક મા નિવૃત્ત
હોંગકોંગ તા. 8:  શિક્ષણ ક્ષેત્રમાં સખાવત કરવા અલી બાબાના ટોચના પદેથી ઉતરી જવાનું મારું આયોજન છેં એમ 420 અબજ ડોલરની ચીની ઈ-કોમર્સની આ વિરાટ પેઢીના સહસ્થાપક અને એકઝીકયુટીવ ચેરમેન જેક મા (54)એ જણાવ્યું હતું. અંગ્રેજીના પૂર્વ શિક્ષક જેક માએ 1999માં અન્ય 17 જણા (જેમાંના કેટલાક તેમના વિદ્યાર્થી હતા) સાથે મળી અલીબાબા શરૂ કરી હતી, આજે તે એ સ્તરની વિશ્વની ગંજાવર ઈ-કોમર્સ અને ડિજિટલ પેમેન્ટની કંપની બની છે, જે ચીની પ્રજાના શોપિંગ, ખરીદશકિતમાં ખાસો બદલાવ લાવી છે. તેણે તેની નેટ વર્થ 40 અબજ ડોલરથી વધુની કરીને ચીનના સૌથી ધનાઢય ઈન્સાન બનાવ્યા. અનેક ચીની નાગરિકો તેમને દેવતાસમા ગણી તેમની છબિ ઘરોમાં ટાંગતા થયા છે.
બીજિંગ અને સરકારી માલિકીના સાહસો કંપનીનઓમાં ચંચુપાત કરવાની ભૂમિકાએ ઉતરી આવ્યા સાથે ચીનમાં બિઝનેસનું માહોલ કંઈક ડહોળાયું છે તે સ્થિતિમાં જેક મા નિવૃત્ત થઈ રહ્યા છે. જિનપિંગના શાસન તળે ચીનનો ઈન્ટરનેટ ઉદ્યોગ ઠીક ફુલ્યોફાલ્યો છે અને વધુ મહત્વનો બનતાં સરકાર તેની પર લગામ તાણવા ય પ્રેરાઈ છે.
એક મુલાકાતમાં જેક માએ જણાવ્યુ હતું કે મારી નિવૃત્તિ કંઈ યુગનો અંત નથી, બલકે આરંભ છે, શિક્ષણ પર વધુ ધ્યાન દેવાને હું મારા સમય અને સંપત્તિનો ઉપયોગ કરીશ. શિક્ષણ ક્ષેત્રને હું ચાહુ છું. (ચીનમાં શિક્ષક દિન મનાવાય છે તે દિવસે તેઓ 54ના થયા)
અલીબાબાના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં તથા કંપનીના મેનેજમેન્ટના મેન્ટોર તરીકે ચાલુ રહેનારા જેક કંપનીમાં 6.4 ટકાનો હિસ્સો ધરાવે છે. તેમની નિવૃત્તિ અન્ય એકઝીકયુટીવઝને સત્તાનું હસ્તાંતરણ છે. તેઓ '13માં ચીફ એકઝીકયુટીવપદેથી ઉતરી ગયા હતા. કં.ના હાલના ચીફ એકઝી. ડેનીઅલ ઝાંગ અનુગામી બનશે. અલીબાબાનું સામ્રાજય આજે ઈ-કોમર્સ, ઓનલાઈન બેન્કિંગ, કલાઉડ કમ્પ્યુટીંગ, ડિજિટલ મીડિયા અને મનોરંજન ક્ષેત્રે કાર્યરત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer