પૂજા-પાઠ માટે પંડિત મળતા નથી? તો કરો અૉનલાઈન બુકિંગ

પૂજા-પાઠ માટે પંડિત મળતા નથી? તો કરો અૉનલાઈન બુકિંગ
મુંબઈ, તા.8 : દર વર્ષે પરિવારો અને મંડળોમાં જે ગતિએ વધારો થઈ રહ્યો છે, એની સામે પંડિતોની સંખ્યામાં વધારો થતો નથી. આથી કોઈ ખાસ પ્રસંગે પંડિતો પહેલાથી જ બુક થઈ જતાં હોવાથી પંડિતો મળવા મુશ્કેલ બન્યા છે. જોકે, હવે પંડિતો અૉનલાઈન ઉપલબ્ધ થશે. 
 mypanditji.com, allpanditji.com, wheresmypandit.com જેવી વેબસાઈટ્સમાં પંડિતને અૉનલાઈન બુક કરાવી શકાય છે. નવી મુંબઈ સ્થિત ઓલપંડિતજી.કોમના પાર્ટનર નીલુ શર્માએ કહ્યું કે, અમારા મોટા ભાગના ગ્રાહકો અંગ્રેજીમાં બોલતાં પ્રોફેશનલ્સ છે, જેમને સમયસર આવે એવા વિશ્વસનિય પંડિતની જરૂર હોય છે. વર્ષ 2015માં શરૂ થયેલી આ અૉનલાઈન સર્વિસમાં આજે 500 જેટલા રજિસ્ટર્ડ પંડિત છે. આમાં નાશિકના પંડિતો ગણપતિની પૂજા કરાવવા માટે મુંબઈ આવે છે. પંડિતોનું બુકિંગ તહેવારના બે મહિના પહેલાથી શરૂ થાય છે અને તહેવારની અગાઉના દિવસ સુધી બુકિંગ ચાલુ રહે છે. ઘણીવાર બુકિંગ એટલા વધી જાય છે કે અમે અમારા ગ્રાહકોને તેમની પૂજાના સમયમાં ફેરફાર કરવા માટે જણાવીએ છીએ. 
જ્યારે આંતરરાષ્ટ્રીય ગ્રાહકો ધરાવતી ઈન્દોર સ્થિત એક વર્ષ જૂની માયપંડિતજી.કોમના સીઈઓ રશ્મિ સિંઘે કહ્યું કે, એક સમયે વિદેશના ગ્રાહકો ફોન ઉપર પૂજા કરાવતા હતા, જ્યારે હવે વીડિયો કોલ્સ દ્વારા પૂજાની માગ વધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer