અૉનલાઈન કેમિસ્ટો જંગી નફાને કારણે આપે છે વધુ ડિસ્કાઉન્ટ

અૉનલાઈન કેમિસ્ટો જંગી નફાને કારણે આપે છે વધુ ડિસ્કાઉન્ટ
મુંબઈ, તા. 8 : છેલ્લાં પાંચ વર્ષમાં ફક્ત પાંચ અૉનલાઈન ફાર્મસીએ રૂ. 1700 કરોડ ઊભાં કર્યા છે. આમાંથી નોંધપાત્ર રકમ `જનજાગૃતિ' માટે અને લોકોને દવાની ખરીદી કેમિસ્ટ્સ પાસેથી કાઉન્ટર પરથી નહીં પરંતુ ઍપ્સ અથવા વેબસાઈટ્સ દ્વારા કરવાની પ્રેરણા આપવા માટે વપરાઈ છે. 
જો નફા અને રોકાણનો નોંધપાત્ર હિસ્સો જનજાગૃતિ, માર્કેટિંગ અને બ્રાન્ડ મૂલ્ય વધારો કરવામાં જતો હોય તો અૉનલાઈન મેડિકલ દુકાનો મોટું ડિસ્કાઉન્ટ કેવી રીતે આપે છે? આનો સરળ જવાબ એક જ છે કે ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સના વેચાણમાં માર્જિન જંગી હોય છે. એક ફાર્મસીના માલિકે કહ્યું કે, પ્રોડકટ્સ ઉપર 25થી 30 ટકાનો નફો મળે છે. આથી અમે અમારા નિયમિત ગ્રાહકોને 10 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. 
ભારતમાં વેચાતા એકંદર દવાના વેચાણના બજારમાં અૉનલાઈન ફાર્મસીનો હિસ્સો 1 ટકાથી પણ ઓછો છે. ફક્ત જાગૃતિના અભાવને લીધે ગ્રાહકો પોતાના ઘર નજીકની દુકાનમાંથી જ દવાની ખરીદી કરે છે. જો દવાઓ બલ્કમાં બનાવવામાં આવે અને ઉત્પાદક દ્વારા સીધુ વેચાણ કરવામાં આવે તો તેમના નફાના માર્જિનમાં વધારો થશે. 
નાની-મોટી દવાની દુકાનો વૃદ્ધિ પામતા અૉનલાઈન બજારથી અવગત છે. મહારાષ્ટ્ર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ કૈલાશ તંડલેએ કહ્યું કે, તેઓ 60 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપે છે. તેમ જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ આપે છે. આથી રિટેલ બજાર ઉપર માઠી અસર પડે છે. આથી ડિસ્કાઉન્ટ આપવા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. 
તેમનું માનવું છે કે જે ઓપરેટર્સ અને દવાઓ રિટેલ આઉટલેટમાં સપ્લાય કરતી હોય તેમને જ હોલસેલ લાઈસન્સ ઇસ્યૂ કરવું જોઈએ. અૉનલાઈન ફાર્મસી ઘણી કંપનીઓમાં વિભાજિત છે. એક કંપની અૉનલાઈન પ્લેટફોર્મમાં અૉર્ડર બુક કરવાનું, પ્રાપ્તી અને દવાઓ તેમ જ ડિવાઈઝનું સ્ટોકનું સંચાલન કરે છે, જ્યારે અન્ય કંપની ડિલિવરીનું કામ સંભાળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer