થર્મોકોલ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફક્ત કાગળ પર?

થર્મોકોલ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફક્ત કાગળ પર?
ગણેશોત્સવ માટે થઈ રહી છે ધૂમ ખરીદી

મુંબઈ, તા. 8 : ગણેશોત્સવના પડઘમ વાગી રહ્યા છે અને બજાર મખર તેમ જ સજાવટના સાધનોથી ઊભરાઈ ગઈ છે. જોકે, એમાં આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે મખર અને સજાવટના સાધનો મુખ્યત્વે થર્મોકોલ અને પ્લાસ્ટિકથી બનેલા છે. રાજ્ય સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં થર્મોકોલના મખર બિનધાસ્ત વેચાઈ રહ્યા છે. ગયા અઠવાડિયા સુધી થર્મોકોલના મખર ગુપ્ત રીતે વેચાતા હતા પરંતુ ગત શનિ-રવિથી આ મખરના પ્રદર્શન શરૂ થયા છે અને લોકો ખરીદવા લાગ્યા છે. થર્મોકોલબંધી ફક્ત કાગળ પર રહી ગઈ છે.
દાદરના છબીલદાસ રોડની ગલીમાં થર્મોકોલના મખરથી દુકાનો ઊભરાઈ ગઈ છે. પર્યાવરણલક્ષી મખર તો અહીં ફક્ત નામપૂરતા ઉપલબ્ધ છે. કેટલાક પડદા, પ્લાસ્ટિકના પાઈપના ટેકાથી અને પડદાથી બનાવેલા મખરના એકાદ-બે સ્ટોલ બાદ કરતાં અહીં ગલીની બન્ને બાજુએ થર્મોકોલના મખર જ જોવા મળે છે. થર્મોકોલ પર પ્રતિબંધ હોવા છતાં આવા મખર કેમ વેચો છો એવા પ્રશ્નના જવાબમાં દુકાનદારોએ જણાવ્યું હતું કે લોકોને ઓછી કિંમતના મખર જોઈતા હોવાથી આ મખર રાખવામાં આવ્યા છે.
થર્મોકોલના મખર 1,200 રૂપિયાથી શરૂ થાય છે તો પ્લાયવુડ અને પૂઠાના મખર ત્રણ હજાર રૂપિયાથી શરૂ થાય છે. થર્મોકોલના મખરની તુલનામાં પર્યાવરણલક્ષી મખરનું પ્રમાણ માંડ એકથી બે ટકા છે. પર્યાવરણલક્ષી મખર વિશે પૃચ્છા કરતાં આગળ કાગળના થર્મોકોલ મળશે એવો જવાબ મળે છે અથવા પ્રશ્ન તરફ દુર્લક્ષ કરાય છે. કાર્યવાહીના ડરે તેઓ ફોટો પાડવા દેતા નથી. આકર્ષક રંગે રંગેલા મખર લેવા માટે લોકો પણ ઉમટી રહ્યા છે. થર્મોકોલ પર પ્રતિબંધ હોવા છતાં આ મખર શા માટે લઈ રહ્યા છો એવા પ્રશ્નના જવાબમાં ગ્રાહકો સામો પ્રશ્ન પૂછતા હતા કે પ્રતિબંધ હોત તો આવી રીતે ખુલ્લામાં મખર વેચાવા મૂક્યા હોત કે? ઉપરાંત થર્મોકોલના મખર સાથે બજારમાં પ્લાસ્ટિકના ફૂલ અને માળા પણ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. બજારમાં પર્યાવરણલક્ષી પર્યાય સરળતાથી ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોએ ઉપલબ્ધ વિકલ્પમાંથી જ પસંદગી કરવાની રહે છે એવું દેખાઈ રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer