દાઉદના `મોતી''ની આવકનું રહસ્ય ખૂલ્યું : 3000 કરોડ કરતાં વધુ રોકાણ જાબીર મોતીના નામ પર

દાઉદના `મોતી''ની આવકનું રહસ્ય ખૂલ્યું : 3000 કરોડ કરતાં વધુ રોકાણ જાબીર મોતીના નામ પર
મુંબઈ, તા. 8 : બ્રિટિશ પોલીસે ગત પખવાડિયે `ડી' કંપનીના જાબીર મોતીની ધરપકડ કરી હતી. તેના વિષે મુંબઈ પોલીસને માહિતી મળી છે કે તેની કમાણી દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ કરતાં પણ વધુ છે. 
એક અધિકારીએ આપેલી માહિતી મુજબ, જબીર મોતીએ દાઉદના આદેશ પર દુનિયાભરમાં 3000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ રોકાણ કર્યું છે. દાઉદને ખબર છે કે તેના ભાઈની શોધ દુનિયાની દરેક તપાસ એજન્સીઓ કરી રહી છે એટલે અનીસની દરેક કાયદેસર અને ગેરકાયદે કમાણીની તપાસ કરવામાં આવશે. જ્યારે જબીર મોતી ગત પખવાડિયા સુધી ગુમનામ હતો. એટલે દાઉદે મોતીના મારફતે મિડલ ઈસ્ટ, યુકે, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં હજારો કરોડની મિલકત ભેગી કરી છે. મોતીએ સૌથી વધુ રોકાણ રિયલ એસ્ટેટમાં કર્યું છે. દાઉદનો ધંધો ગોલ્ડ સ્મગલિંગનો છે. પરંતુ મોતીએ દાઉદના આદેશ પર સ્મગલિંગ કરવાને બદલે સોનામાં રોકાણ કર્યું હતું. તેણે કપડાઓમાં પણ વેપાર કર્યો છે. મોતીની દાઉદની પત્ની મહજબીન, દીકરી મહરીન અને જમાઈ જુનૈદ સાથે નાણાકીય લેવડદેવડ હતી.
અધિકારીએ આપેલી માહિતી મુજબ, જાબીર મોતી ડી કંપનીમાં દાઉદ પછી સૌથી વધુ તાકાતવાન હતો. અનીસનો નંબર મોતી પછી આવતો હતો. ગયા વર્ષે શકીલ દાઉદથી છુટો પડી ગયો હોવાની ખબરે જોર પકડયું હતું. જ્યારે આ અધિકારીનું કહેવું છે શકીલ દાઉદના ત્રણ વિશ્વાસુ સાગરિતોમાંથી એક છે. શકીલનું કામ હપ્તાવસૂલી માટે બીલ્ડરો અને અન્ય વેપારીઓને ધમકાવવાનું છે, જ્યારે અનીસ ક્રિકેટ બેટિંગ, સ્મગલિંગ અને ગુટકાના વેપાર દ્વારા ગેન્ગ માટે કમાણી કરતો હતો. શકીલ અને અનીસનું આતંક ફેલાવવાનું કામ ખાલી ભારત અને દુબઈ સુધી મર્યાદિત હતો. પરંતુ જબીર મોતીએ એવા દેશોમાં વેપાર કર્યો છે, જ્યાં દુનિયાની તપાસ એજન્સીઓને પુરાવા શોધવામાં વર્ષો વીતી ગયાં છે. 
હવે મુંબઈ પોલીસ એ તપાસ કરી રહી છે કે દાઉદે મોતી દ્વારા મુંબઈ અને ભારતનાં બીજાં શહેરોમાં કેટલી મિલકત વસાવી છે. આ બાબતે લંડન પોલીસ પાસેથી પણ માહિતી મગાવવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer