હવે રામ કદમના કાર્યકરે મરાઠી ચૅનલની અૉફિસમાં ફોન કરી મહિલા કર્મચારીઓને ધમકાવી?

હવે રામ કદમના કાર્યકરે મરાઠી ચૅનલની અૉફિસમાં ફોન કરી મહિલા કર્મચારીઓને ધમકાવી?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : છોકરીઓ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા રામ કદમના કાર્યકરે હવે બોસની જેમ વર્તન શરૂ કરી દીધું છે. રામ કદમના વક્તવ્ય સંદર્ભે `માઝા વિશેષ' કાર્યક્રમમાં ચર્ચા ચાલી રહી હતી. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) તરફથી અવિનાશ અભ્યંકર સહભાગી થયા હતા. જોકે, રામ કદમના કાર્યકરે અભ્યંકરના વક્તવ્યને મારી મચડીને તેમને અપશબ્દો કહ્યા હોવાનો પ્રચાર શરૂ કરી દીધો છે.
એ કાર્યકર એટલું કરીને અટક્યો નહીં, તેમણે એબીપી માઝાની અૉફિસમાં ફોન કરીને મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી. એને લીધે પ્રશ્ન ઊભો થયો છે કે શું રામ કદમના આદેશથી આ કાર્યકર આવી ધમકી આપવાની ભાષામાં વાત કરે છે? છોકરીઓને ભગાવી લઈ જવાની ભાષા બોલનારા નેતા જીવતી અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપે અને હવે મહિલા પત્રકારો સાથે અસભ્ય ભાષામાં વાતો કરે એ કઈ સંસ્કૃતિમાં બેસે? એના પર ભાજપ કે મુખ્ય પ્રધાન કેમ કોઈ કાર્યવાહી નથી કરતા એવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
અવિનાશ અભ્યંકરે શું કહ્યું?
બુધવારે પાંચમી સપ્ટેમ્બરે મરાઠી ચૅનલ પરના `માઝા વિશેષ' કાર્યક્રમમાં ભાજપના નેતાઓ હંમેશાં કેમ બેલગામ બની જાય છે એ વિશે ચર્ચા થઈ હતી. એ વખતે અવિનાશ અભ્યંકરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે `મુંબઈમાં કોઈ વ્યક્તિ એવું બોલવાની હિંમત કરી શકે ખરી કે અમે છોકરીને ઉઠાવી લાવીને પ્રેમીને સોંપી દઈશું? ગઈ કાલે દિવસભર એ વિશે વાતો ચાલી, પણ શિવસેના કે મનસે તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવી. આવું જ વક્તવ્ય જો મુંબઈના અસદુદ્દીન ઓવૈસીએ કર્યું હોત તો શિવસેના-મનસેએ એના કેવા પ્રત્યાઘાત આપ્યા હોત? આટલો બધો વખત કેમ લાગ્યો મનસેને?'
અવિનાશ અભ્યંકરે શું જવાબ આપ્યો?
આટલો સમય શા માટે લાગ્યો એવું નથી. એવું છેને કે છેવટે અમારે સત્તાનું માન રાખવાનું હોય છે. સત્તાનો નશો એવો હોય છે કે માણસ બેફામ બોલવા માંડે છે. અમે રામ કદમનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. એમાં તેમણે કહ્યું હતું કે છોકરીને અમે ભગાવી લાવીશું અને તમને સોંપીશું. તમને સોંપીશું? આ માણસને કોઈ લાજશરમ જેવું લાગ્યું કે નહીં? તેમનામાં કયા સંઘના સંસ્કાર છે? અમને પ્રશ્ન પૂછવા કરતાં તમે તેમને જ પ્રશ્ન પૂછો અને તેમને કોણ, દાનવે સમજાવશે? જેઓ વિવાદાસ્પદ વક્તવ્ય કરવામાં માહિર છે. તેમણે બોલવામાં ધ્યાન રાખવાની જરૂર હતી.
મુંબઈની 2264 છોકરીઓ ગુમ છે! રામ કદમ પાસે યુવતીઓ વિશે માહિતી છે ખરી?
ગોકુળ અષ્ટમી નિમિત્તના ગોવિંદાના કાર્યક્રમમાં ભાજપના વિધાનસભ્ય રામ કદમે છોકરીઓ વિશે બેફામ ટિપ્પણી કર્યા બાદ અનેક પ્રશ્નો નિર્માણ થયા છે અને મુંબઈની ગુમ થયેલી છોકરીઓના અસ્તિત્વ સંદર્ભે હવે શંકાની સોય તેમની તરફ વળી છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈની 26,708 છોકરીઓ ગુમ થઈ હતી. એમાંથી 24,444 છોકરીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે, પણ હજી સુધી 2264 છોકરીઓના કોઈ સગડ મળ્યા નથી. લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે જે છોકરીઓ હજી મળી શકી નથી તેમના વિશે રામ કદમ પાસે કોઈ માહિતી છે ખરી? નાગપુરના ચોમાસું સત્ર વખતે જુલાઈમાં વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે ગુમ થયેલી છોકરીઓ વિશે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. અગાઉ કોઈ છોકરીએ તેના પ્રેમીને ના પાડી હોય અને રામ કદમના પ્રયાસથી તેને કોઈ ઉપાડી ગયું હોય એવું પણ બની શકે છે, એમ કહી લોકો ગુમ થયેલી છોકરીઓ સંદર્ભે રામ કદમ ભણી આંગળી ચીંધી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer