સેપક ટકરોમાં દેશને બ્રોન્ઝ અપાવનારો હરીશકુમાર ફરીથી ચાના સ્ટોલમાં જોડાયો

સેપક ટકરોમાં દેશને બ્રોન્ઝ અપાવનારો હરીશકુમાર ફરીથી ચાના સ્ટોલમાં જોડાયો
અૉટોરિક્ષા ચલાવતા પિતાને મદદરૂપ બનવાની સાથે હરીશકુમારે ભવિષ્ય માટે દરરોજ ચાર કલાકની તાલીમ ફિક્સ કરી

નવી દિલ્હી, તા. 8 : એશિયન ગેમ્સમાં સેપક ટકરો નામની રમત કે જેના વિશે કેટલાય ભારતીયો જાણતા પણ નહી હોય તેમાં બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા હરિશ કુમારે ભલે ઈન્ડોનેશિયામાં નામ રોશન કર્યું હોય. પરંતુ તેના જીવનમાં કોઈપણ જાતનું પરિવર્તન આવ્યું નથી અને ફરીથી દિલ્હીના મન્જુ કા ટીલ્લામાં ચાના ધંધામાં જોડાઈ ગયો છે. ઓટો રિક્ષા ચાલકનો પુત્ર હરીશ ચા વેંચીને ગુજરાન ચલાવે છે અને સાંજના સમયે પ્રેક્ટિસ કરે છે.  
હરિશ કુમારના કહેવા પ્રમાણે તે સંયુક્ત કુટુંબમાં રહે છે અને આવકના સ્રોત ખૂબ જ ઓછા છે. આ કારણથી ચા વેંચીને પિતાને ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે. હરિશે ઉમેર્યું હતું કે, પોતાના ભવિષ્ય માટે દિવસમાં 2 થી 6 વાગ્યા સુધીનો સમય તાલિમ માટે નક્કી કર્યો છે. 2011 સેપક ટકરો રમવાનું શરૂ કર્યા બાદ કોચ હેમરાજે રમતને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરિશના માતા ઈન્દ્રાદેવીએ કહ્યું હતું કે, તેઓના પુત્રને આગળ વધવા માટે સરકાર તરફથી કરવામાં આવતી મદદ માટે તેઓ ખૂબ જ આભારી છે. બીજી તરફ હરિશને અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા રોકડ ઈનામથી લઈને સરકારી નોકરી આપવા સુધીની તૈયારી પણ બતાવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer