યુએસ ઓપન : આજે જોકોવિચ અને ડેલ પોટ્રો વચ્ચે ફાઈનલ

યુએસ ઓપન : આજે જોકોવિચ અને ડેલ પોટ્રો વચ્ચે ફાઈનલ
ઈજાને કારણે નાદાલે પોટ્રો સામેની સેમિ ફાઈનલ અધવચ્ચે પડતી મૂકવી પડી
 
ન્યૂયોર્ક, તા. 8 : યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષોની ફાઈનલ મેચ હવે નોવાક જોકોવિક અને ડેલ પોટ્રો વચ્ચે રમાશે. વર્તમાન ચેમ્પિયન અને પ્રથમ ક્રમાંકિત સ્પેનિશ સ્ટાર રાફેલ નાદાલ ઈજાના કારણે સેમિ ફાઈનલ મેચમાં બીજા સેટમાં જ ખસી જતાં પોટ્રો ફાઈનલમાં પહોંચી ગયો હતો. નાદાલે ખસી જવાની જાહેરાત કરી ત્યારે પોટ્રો 7-6, 6-2થી આગળ ચાલી રહ્યો હતો. ત્રીજા ક્રમાંકિત પોટ્રો 2009માં ચેમ્પિયન બન્યો હતો. તે હવે વર્ષ 2011 અને 2015માં વિજેતા બનેલા જોકોવિચ સામે ટકરાશે.
જોકોવિચ આ ટૂર્નામેન્ટમાં આઠ વખત ફાઈનલમાં પહોંચ્યો છે. તેણે સેમિ ફાઈનલ મેચમાં જાપાનના કેઈ નિશીકોરી પર સીધા સેટોમાં 6-3, 6-4 અને 6-2થી જીત મેળવી હતી. જોકોવિચ પોટ્રો પર14-4ની સરસાઈ ધરાવે છે.
સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને 3.8 મિલિયન ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે, જ્યારે સિંગલ્સ ફાઈનલિસ્ટને 18,50,000 ડોલરની રકમ મળશે. સેમિ ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચૂકવવામાં આવનાર છે. ઈતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જિમી કોનર્સ, પેટ સામ્પ્રાસે જીત્યા છે, જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer