ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન બ્રિયરલેને ડર, `ક્યાંક તાનાશાહ ન બની જાય કોહલી''

ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન બ્રિયરલેને ડર, `ક્યાંક તાનાશાહ ન બની જાય કોહલી''
બ્રિયરલેના મતે, કોહલીમાં ઘણી ઊર્જા, પરંતુ વધુપડતું અધિકારવાદી વલણ સાથીઓથી તેને દૂર કરી શકે
 
લંડન, તા. 8 : ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈક બ્રિયરલેનું માનવું છે કે ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીનું કરિશ્માઈ પાસું તેને સરમુખત્યાર બનાવી શકે છે. બ્રિયરલેએ એમ પણ કહ્યું કે, કોઈ કપ્તાન જ્યારે વધુ અધિકારોનો દાવો કરવા લાગે ત્યારે ટીમના ખેલાડીઓ તેનાથી વાત કરવાથી પાછળ હટવા લાગે છે. તેમણે `ધ આર્ટ ઓફ કેપ્ટન્સી' પુસ્તક પણ લખ્યું છે, જે ક્રિકેટ પર આધારિત સૌથી વધુ વંચાતાં પુસ્તકોમાં સામેલ છે.
તેમણે કહ્યું કે, કોહલીમાં ઘણી વધુ ઊર્જા છે. તેને ક્રિકેટ રમતા જોવામાં મને ઘણો આનંદ આવે છે. તે ઘણો સમજદાર કપ્તાન છે અને મેદાન પર તેની હાજરી ઘણી બહેતર રહેતી હોય છે, પરંતુ તેનો કરિશ્મા, કલાત્મકતા અને અધિકાર ઘણા વધારે છે અને મને ડર છે કે તે ક્યાંક તાનાશાહ બની ન જાય.
બ્રિયરલેએ કહ્યું કે, કોહલીમાં લોકોને એ બતાવવાની ક્ષમતા છે કે શું કરવાનું છે, પરંતુ જો તમે વધુ પડતો અધિકાર બતાવ્યા કરશો તો તમે અન્યના વિચારો માટે ખુલ્લા નથી. બહુ પ્રભાવશાળી બનવાનો મતલબ એ પણ થઈ શકે છે કે લોકો તમને સૂચનો કરતા ડરતા થઈ જાય છે.
ઈંગ્લેન્ડના પૂર્વ કપ્તાને કહ્યું કે, કપ્તાનીને ઘણી વધુ સહજતાની જરૂરત હોય છે. તમે બીજા કોઈને પૂછીને એ નક્કી ન કરી શકો કે કોઈના દિમાગમાં શું ચાલી રહ્યું છે.
બ્રિયરલેએ એમ પણ કહ્યું કે, એમ.એસ. ધોની એક મહાન કપ્તાન જરૂર છે, પરંતુ મને એ વાતનો ભરોસો નથી કે તે એક સારો ટેસ્ટ કપ્તાન પણ બની શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer