બટલરે ઈંગ્લૅન્ડનો રકાસ ખાળ્યો યજમાન ટીમના 332 રન બાદ પ્રથમ દાવમાં પ્રવાસી ભારતે 106 રને 4 વિકેટ ખોઈ

બટલરે ઈંગ્લૅન્ડનો રકાસ ખાળ્યો યજમાન ટીમના 332 રન બાદ પ્રથમ દાવમાં પ્રવાસી ભારતે 106 રને 4 વિકેટ ખોઈ
લંડન, તા. 8 : યજમાન ઈંગ્લેન્ડે આજે બટલર અને બ્રોડની બળૂકી બેટિંગના બળે રમતમાં વાપસી કરતાં પ્રથમ દાવમાં 332 રન કર્યા પછી દાવમાં ઊતરેલી પ્રવાસી ટીમ ઈન્ડિયાએ અંતિમ અહેવાલ અનુસાર 106 રનમાં 4 વિકેટ ખોઈ દીધી હતી.
ભારત તરફથી રાહુલે 37 અને પૂજારાએ પણ તેટલા જ રન કર્યા હતા. શિખર ધવને માત્ર 3 રને વિકેટ ખોઈ દીધી હતી. રહાણેએ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયનની વાટ પકડી હતી. સુકાની વિરાટ કોહલી 24 રને દાવમાં હતો.
અગાઉ યજમાન ઈંગ્લેન્ડે ગઈકાલે 198 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધા પછી આજે પ્રથમ દાવનો સ્કોર આગળ વધારતાં બટલરની બળૂકી બેટિંગના બળે 134 રન ઉમેર્યા હતા. પ્રથમ દાવમાં અંગ્રેજ ટીમ આમ 332 રનના નોંધપાત્ર સ્કોર સુધી પહોંચી શકી હતી.
બટલરે પ્રભાવશાળી પ્રદર્શનનું પુનરાવર્તન કરતાં પ્રથમ 84 દડામાં અર્ધસદી કરી લીધા બાદ 89 રન ફટકાર્યા હતા. સમજદારીપૂર્વક રમીને સ્કોરબોર્ડને ગતિ આપતી વખતે તેણે કુલ્લ છ ચોગ્યા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
બ્રોડે ત્રણ ચોગ્યા સાથે 38 રન કરીને ઉપયોગી યોગદાન ઉમેર્યું હતું. રાશિદે ત્રણ ચોગ્ગા સાથે 1પ રને જ બુમરાહના દડામાં એલબીડબલ્યુ આઉટ થતાં વિકેટ ખોઈ દીધી હતી.
અર્ધસદી કરી લીધા પછી બટલરે બ્રોડ સાથે 61 દડામાં 50 રનની ભાગીદારી કરીને સ્કોરનું કદ વધારતાં ટીમ ઈન્ડિયાની છાવણીમાં હતાશા ફેલાય તેવી સ્થિતિ સર્જી દીધી હતી.
પાંચમી અને અંતિમ ટેસ્ટના પ્રારંભિક દિવસે ગઈકાલે મજબૂત બોલિંગના બળે ભારતે યજમાન ટીમ પર દબાણ વધારી દીધું હતું, પરંતુ આજે બટલર, બ્રોડની સમજદારીભરી રમતના કારણે ટેસ્ટ પર પ્રવાસી ટીમ ઈન્ડિયાની પકડ ઢીલી પડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer