કુપાત્રનાં કર્મોથી ખરડાઈને મેલી થઈ રહેલી જ્ઞાનની ગંગા

છાત્રાઓને ભગાડી જતા લંપટો : દુ:શાસનો જેવા શિક્ષણવિદોના ચીરહરણમાંથી મુક્ત થવા મથતી વિદ્યા

રાજકોટ, તા. 8 : `સા વિદ્યા યા વિમુક્તયે', `પાવકા ન સરસ્વતી' જેવા સંસ્કૃત સૂત્રોથી શિક્ષણ જગતને અલંકારિત કરાયું છે. પરંતુ જ્ઞાનની આ પવિત્ર ગંગા નૈતિકતા સાથે જેમને સ્નાનસૂતકનો સંબંધ ન હોય તેવા કુપાત્રોની કરતૂતોથી ખરડાઈને મેલી થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરી રહેલી વિદ્યાર્થિનીને તેના માર્ગદર્શક ગુરૂ  દ્વારા કરાતી સતામણી, શાળાના શિક્ષક દ્વારા અનૈતિક સંબંધ બાદ તંગ આવીને શિક્ષિકાની હત્યા સુધીનું અધમ કૃત્ય, અગાઉ બબ્બે સગીર છાત્રાને ભગાડી ગયા બાદ જેલમાંથી જામીન પર છૂટીને ફરીથી વિદ્યાર્થિનીને ભગાડી જતા ધવલ ત્રિવેદી જેવા લંપટ દુ:શાસનો જેવા કહેવાતા શિક્ષણવિદો દ્વારા કરાતા નૈતિકતા અને પવિત્રતાના ચીરહરણમાંથી ખુદ વિદ્યા મુક્ત થવા મથી રહી છે. શિક્ષણજગતના અધ:પતન સમાન ઘટનાઓએ આ ક્ષેત્રની ગરીમા ઘટાડીને ઘૂંટણીયે લાવી દીધી છે.
સૌ. યુનિ. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલનો ધગધગતો રિપોર્ટ
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના પ્રોફેસર ડો. નિલેશ પંચાલે તેમની ગાઈડશીપ હેઠળ પીએચ.ડી. કરી રહેલી છાત્રાની સતામણી કરી હોવા સબબની મળેલી ફરિયાદથી સમગ્ર વિશ્વવિદ્યાલયની આબરૂને ફરી એક વખત બટ્ટો લાગ્યો છે. આવી ઘટનાઓ સામે તપાસ કરવા યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે સૌ. યુનિ.માં કાર્યરત સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલના 8 પ્રતિનિધિઓ વચ્ચે આજે સાંજે મીટીંગ યોજાઈ હતી. જેમાં બન્ને પક્ષકારોની રજૂઆતોને આધારે તારણો મેળવી ધગધગતો રિપોર્ટ તૈયાર કરાયો હતો. આ રિપોર્ટ સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે વાઈસ ચાન્સેલરને સુપ્રત કરવામાં આવશે તેમ સેલના અધ્યક્ષ ડો. નિતાબેન ઉદાણીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે પીએચ.ડી. કરતી છાત્રાએ યુનિ.ને રજૂઆત કરી હતી કે પોતે જ્યારે થીસીસના કામ સબબ ગાઈડ ડો. નિલેશ પંચાલ પાસે જતા ત્યારે તેમના તરફથી સતામણી કરાતી હતી. આ અંગે વિદ્યાર્થિનીઓના પરિવાર તેમજ ગાઈડ વચ્ચે મુલાકાત થઈ ગઈ હતી. ત્યારે માફા-માફી થયા પછી પણ ગાઈડ દ્વારા તેમનું પીએચ.ડી. પૂરૂં કરાવવામાં આવ્યું નથી. સામે પક્ષે વિદ્યાર્થિનીનો આક્ષેપ ખોટો છે અને તેઓ કામ કરતા ન હોવાનો બચાવ ગાઈડ ડો. પાંચાલે કર્યો છે. આ મુદ્દે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ દ્વારા મીટીંગ બાદ રિપોર્ટ તૈયાર કરાતા તેના આધારે કુલપતિ દ્વારા પગલાં લેવામાં આવશે.
હત્યાના આરોપી શિક્ષક સામે પગલાં લેવાની સત્તા મંડળની
 બાર-પંદર વર્ષથી શિક્ષિકા સાથે અનૈતિક સંબંધ બાદ વાજ આવી ગયેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષક અને અનઅધિકૃત રીતે બબ્બે ખાનગી શાળાનો સંચાલક બની ગયેલા શાંતિલાલ વિરડીયાએ તેણીની ઠંડા કલેજે હત્યા કરાવી હોવાનું ખુલતા શિક્ષક લોબી સ્તબ્ધ થઈ ગઈ છે. રાજકોટના ગાંધીગ્રામમાં આવેલી જીવનજ્યોત સ્કૂલના શિક્ષક અને માયાણીનગરમાં કર્મયોગી અને વંદેમાતરમ્ સ્કૂલના સંચાલક શાંતિલાલ વિરડીયાએ પોતાની જ શાળાની શિક્ષિકા હિના રાજેશ મહેતા નામના વિધવાને આઠમના દિવસે પોતાની સ્કૂલે બોલાવી સામે બેસાડી વાતોમાં રાખીને પ્રિપ્લાન પ્રમાણે પોતાના મિત્ર દ્વારા ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ હાલમાં કારાવાસ ભોગવતા આ શિક્ષક સામે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શિક્ષક જે સ્કૂલમાં નોકરી કરતો હતો તેને ફરજ પર રાખનાર શાળા સંચાલક મંડળ દ્વારા તેની સામે પગલાં લેવામાં આવે તેવો નિયમ છે. જો મંડળ પગલાં ન લે તો ડીઈઓ તરફથી તેની સામે પૃચ્છા થઈ શકે છે. શુક્રવારે શાળાનું સત્તામંડળ ડીઈઓને મળ્યું હતું. તેમજ ચારિત્રમાં અધમ એવા આ શિક્ષક સામે પગલાં લેવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ હોવાથી સત્તામંડળ સક્રિય થયું હતું.
ધવલ ત્રિવેદી હજુ પોલીસ પકડથી દૂર
ભાષા અને ઉઠા ભણાવવામાં માહિર લંપટ ધવલ ત્રિવેદીએ પડધરી પાસે આવેલી પોતાની જ શાળાની બે સગીર કન્યાઓને ભગાડી ગયા બાદ બે વર્ષે પોલીસના હાથમાં આવીને જેલની હવા ખાતો હતો. જામીન પર મુક્ત થયા બાદ શિક્ષકના દરજ્જાને ધૂળધાણી કરનાર આ લંપટે ફરી લખ્ખણ ઝળકાવી ચોટીલા પાસેથી એક કન્યાને ભગાડી ગયો છે. જે હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer