યુઆઈડીએઆઈના સોશિયલ મીડિયા વિંગ બનાવવાના પ્રસ્તાવ ઉપર સુપ્રીમની ફટકાર

લોકોની પ્રતિક્રિયા જાણવા સોશિયલ સર્વેલન્સ શરૂ કરવા મામલે માગ્યો જવાબ

નવી દિલ્હી, તા. 8 : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આધારને લઈને સોશિયલ મીડિયા વિંગ બનાવવા માટેના પ્રસ્તાવનો જવાબ માગ્યો છે. યુઆઈડીએઆઈ તરફથી આધાર માટેના નકારાત્મક વિચારોને દૂર કરવા અને લોકોની પ્રતિક્રિયાઓનો જવાબ આપવા માટે સોશિયલ મીડિયા વિંગ બનાવવાના ટેન્ડર જારી કરવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાની ખંડપીઠે ટીકા કરતા કહ્યું હતું કે, જે કામ પ્રત્યક્ષ રૂપે કરી ન શકાય તેવો આદેશ કરવામાં આવ્યો. એ કામ અપ્રત્યક્ષ રૂપે કરવામાં આવી રહ્યું છે. 
તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાએ અરજી કરીને ઓનલાઈન સર્વેલન્સ માટે સોશિયલ મીડિયા વિંગ બનાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. મોઈત્રાનો આ કેસ અભિષેક મનુ સંઘવી લડી રહ્યા છે. આ અગાઉ સરકારે એક સોશિયલ મીડિયા હબ બનાવવાની વાત કરી હતી જેથી દેશના મૂડ ઉપર નજર રાખી શકાય. આના ઉપર સુપ્રીમ કોર્ટે સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, શું સરકાર દેશની જાસૂસી કરવા માગે છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સરકારે જારી કરેલા ટેન્ડર પાછા ખેંચી લીધા હતા. હવે આવા જ એક પ્રસ્તાવમાં યુઆઈડીએઆઈએ સોશિયલ મીડિયા વિંગ બનાવવાની વાત કરી છે. જેથી લોકોની પ્રતિક્રિયા જાણીને તેનો સાચો જવાબ આપી શકાય. આ પ્રક્રિયાના વિરોધમાં અરજી દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer