સુધારેલા એસસી-એસટી ધારાથી સમાજ તૂટશે : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

મથુરા, તા. 8:  દ્વારકા સ્થિત શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ગઈ કાલે  જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સુધારેલો અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ (અત્યાચાર પર રોકથામ) કાયદો ભારતીય સમાજમાં વિઘટનનું કારણ બનશે.
શારદાપીઠના પ્રતિનિધિ ડો. દીપિકા ઉપાધ્યાયે શંકરાચાર્ય વતી જારી કરેલા વકતવ્ય મુજબ આ મુદ્દા પર માજી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લેનાર શંકરાચાર્યે આ બેઉ નેતાઓ સહિત ભાજપ અને તેના નેતૃત્વવાળી સરકારને હિન્દુવિરોધી ગણાવી હતી.
હાલ વૃંદાવનના અટલ્લી ચુંગી ખાતેના ઉડિયા આશ્રમમાં ચાતૃર્માસ કરી રહેલા શંકરાચાર્યે જણાવ્યું હતું કે સારા-નરસા લોકો તમામ જાતિઓમાં હોય છે. એવામાં આ કાનૂન એક ખતરનાક હથિયાર સાબિત થશે.  ફરિયાદ કરવા માત્રથી જેલ થઈ જાય તેવી જોગવાઈ અનુચિત છે, આનાથી લોકોમાં એકમેક પ્રતિ ઘૃણા વધશે. અમે ય ઈચ્છીએ છીએ કે દલિત વર્ગનું કલ્યાણ થાય, તેઓ સાથે ભેદભાવ ન થાય. પરંતુ આ કાનૂનથી વર્ગભેદ થશે અને દેશ બહુ પાછળ ચાલ્યો જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer