ખાંભામાં લાકડાં કટિંગ કૌભાંડનો પર્દાફાશ : 3 ટ્રક પકડતું વન ખાતું

માથાભારે દલાલો અને વન વિભાગના સ્થાનિક કર્મચારીઓની સાઠગાંઠથી એક વર્ષમાં હજારો ટન લીલાં લાકડાંનો સોથ વાળી દેવાયો !
 
ખાંભા તા.8 : ખાંભા તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી લાકડા કાટિંગનું કૌભાંડ ચાલતું હોય ત્યારે આજે નવયુક્ત આરએફઓ પરિમલ પટેલ દ્વારા બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી ચાલતા લીલા વૃક્ષના લાકડા કાટિંગનો પર્દાફાશ કર્યો હતો અને લાકડા ભરેલા ત્રણ ટ્રકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વન વિભાગના સ્થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાં કાટિંગ કરી સોથ વાળી દેવામાં આવ્યો છે જેમાં ખાંભા તેમજ પીપળવા, કોટડા, ઇંગોરાળા ભાડ, વિસાવદર, ભાવરડી સહિતના ગામોમાં હજારો લીલા ઘટાદાર વૃક્ષોને કાપી કટકા કરી લાકડાનું કાટિંગ મધ્યપ્રદેશના મજૂરો દ્વારા કરવામાં આવતું હતું અને આ લાકડા ખાંભાથી મોડી રાત્રીના ટ્રક ભરી અને રાજકોટ લઈ જવામાં આવતાં હતાં ત્યારે ખાંભા વન વિભાગ દ્વારા લાકડા ભરેલા 3 ટ્રક ઝડપી પાડી અને આ લાકડા ક્યાંથી કાપવામાં આવ્યા અને ક્યાં લઈ જવામાં આવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લાકડાં કાપનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે : આરએફઓ
ખાંભા તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલએ જણાવ્યું હતું કે અમે રાત્રીના પેટ્રોલિંગ પર હતાં અને અમોને બાતમી મળી હતી કે, લીલા લાકડા ભરીને ટ્રક આવી રહ્યાં છે. આ ટ્રક મિતીયાળા અભયારણ તરફથી આવતા હોય અને પૂછપરછ કરતા ડ્રાઈવર પાસે લાકડા લઈ જવા માટેના કોઈ આધાર પુરાવા ન હોવાથી આ ટ્રકોને પકડી રેન્જ ઓફિસ પર લઈ જવામાં આવ્યાં હતાં અને આ લાકડા ક્યાંથી કપાતાં હતાં અને ક્યાં લઈ જવામાં આવતાં હતાં તે દિશામાં તપાસ કરી અને જે લોકો દ્વારા લાકડાનું કાટિંગ કરાવવા માં આવતું હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
ટ્રક દીઠ રૂા. 3000 ચૂકવાતા હતા !
ખાંભા તેમજ ગામ્ય વિસ્તારમાં લાકડાના દલાલો દ્વારા હજારો ટન લાકડાનું કાટિંગ કરવામાં આવ્યું હતું અને આ દલાલો દ્વારા ખેડૂત અને પાર્ટીને વાડી કે ડુંગરમાંથી લીલા વૃક્ષ કાપી અને વૃક્ષના કાટિંગ કરી ટ્રકમાં ભરી અને પાર્ટીને વગર મંજૂરી કે મહેનત ટ્રકદિઠ રૂા. 3000 જેવી રકમ ચૂકવવામાં આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું અને એક ટ્રક્માં 200 થી 300 મણ લાકડા ભરાતા હોય છે અને આ લાકડા ટ્રકમાં ભરી મોડી રાત્રીના રાજકોટ લઈ જવામાં આવતા હતાં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer