છ પાટીદાર સંસ્થાના અગ્રણી અને `પાસ''ના સભ્યોની ઉમિયાધામમાં બંધબારણે બેઠક

પાટીદાર સંસ્થાના અગ્રણીઓ અને `પાસ'ના સભ્યો મળી 14 સભ્યોની સંકલન સમિતિ રચાઈ
 
અમદાવાદ, તા. 8: હાર્દિક પટેલના ઉપવાસના 14 દિવસે પાટીદારની ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે હાર્દિકની મુલાકાત લીધી હતી અને હાર્દિકની તબીયત વધુ લથડે એ પહેલાં પારણાં કરી લે તેના માટે પાસ સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી હતી, આ ઘટનાક્રમ પછી હાર્દિકને તરત સિવિલ હોસ્પિટલે અને એ પછી ખાનગી હોસ્પિટલે દાખલ કરાયો હતો. દરમિયાન આજે સમાધાનકારી વલણના ભાગ રૂપે અમદાવાદમાં સોલા રોડ ખાતે ઉમિયાધામમાં પાસ સમિતિના સભ્યો અને છ પાટીદાર સંસ્થાના અગ્રણીઓની એક બેઠક બંધબારણે યોજાઈ હતી, જેમાં હાર્દિકની માગણીઓના મુદ્દે ચર્ચા થઈ હતી તેમ મનોજ પનારાએ જણાવ્યું હતું જો કે નરેશ પટેલે સરકાર સાથે કોઈ બેઠક થઈ નથી તેમ જણાવ્યું હતું.
 પાસ-પાટીદાર સંસ્થાઓ વચ્ચેની આ બેઠકમાં, વિશ્વ પાટીદાર સંસ્થાનના પ્રમુખ સી.કે. પટેલને સરકારના એજન્ટ કહેવા બદલ પાસ સમિતિના સભ્ય મનોજ પનારાએ તમામ અગ્રણીઓ સમક્ષ માફી માગી હતી. મનોજ પનારાએ જણાવ્યું કે,  જે બેઠક મળી તેમાં અત્યાર સુધી થયેલી ઘટનાઓ અને સામ-સામા નિવેદનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંદોલન માટે 6 પાટીદાર સંસ્થાના વડીલો અને પાસ સમિતિનાં મળીને કુલ 24 સભ્યોની એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે.  પનારાએ વધુમાં જણાવ્યું કે, મારા અને સી.કે.પટેલ વચ્ચે જે જુદા-જુદા નિવેદન આવતા હતા તેના અંગે સામ-સામે બેસીને ચર્ચા કરાઈ હતી. વડીલો અમારા માર્ગદર્શક બનશે અને યુવાનો આ આંદોલનને આગળ ધપાવશે. મેં જ્યારે સી.કે.પટેલની  સામે દિલગીરી વ્યક્ત કરી ત્યારે તેમણે કહ્યું કે, દિકરો ભુલ કરે ત્યારે પિતા માફ કરે છે.
 આ બેઠકમાં ઉમાધામ, ખોડલધામ, વિશ્વ ઉમા ફાઉન્ડેશન, પટિદાર સમાજ સહિતની સંસ્થાના વડા સહિત પાસ સમિતિ તરફથી મનોજ પનારા, ધાર્મિક માલવિયા, બ્રિજેશ પટેલ, રમેશ કાકા, મહેશભાઈ, દિનેશભાઈ વગેરે બધા ખુલ્લા દિલે મળ્યા અને આંદોલનના ત્રણ વર્ષ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જો કે આજની આ મિટિંગમાં ખોડલધામના ટ્રસ્ટીઓ હાજર હતા પરંતુ નરેશભાઈ પટેલ હાજર રહ્યા ન હતા.
મનોજ પનારાએ જણાવ્યું કે, સંસ્થાના સભ્યો વચ્ચે વિચારભેદ - મતભેદ હોઈ શકે, પરંતુ મનભેદ ક્યારેય ન હોઈ શકે. પાસ સમિતિના આંદોલનના મુખ્ય ત્રણ મુદ્દા પટિદાર સમાજને અનામત, ખેડૂતોનાં દેવા માફી અને અલ્પેશની મુક્તિ માટે વડીલો પણ સહમત થયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer