ઈંધણના ભાવમાં વધુ ભડકો : પેટ્રોલ 39, ડીઝલ 44 પૈસા વધુ મોંઘું થયું

નવી દિલ્હી, તા. 8 : વૈશ્વિક ક્રૂડતેલના ભાવોની સાથોસાથ વસમા `સરકારી' વેરાઓના કારણે ઈંધણ ભાવમાં ભડકો જારી છે અને સામાન્યજનને રાતા પાણીએ રડાવી રહ્યો છે. શનિવારે સરિયામ બીજા દિવસે બંને ચાવીરૂપ ઈંધણોના ભાવોમાં અડધા રૂપિયાની અડોઅડ જંગી વધારો થયો હતો. પ્રજા પરેશાન છે પણ મોદી સરકાર એક્સાઈઝ ડયૂટી ઘટાડવા તૈયાર નથી. હવે તો ચૂંટણી વખતે ભાવ ઘટે તેવી જ આશા છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પરિબળોને દોષી ઠરાવીને હાથ ઊંચા કરી નાખ્યા હતા. તેમણે એવો પણ દાવો કરી નાખ્યો હતો કે ભારતીય ચલણ તો મજબૂત છે! રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતે પહેલીવાર 80 રૂપિયાની સપાટી વટાવી હતી. આજે અહીં પેટ્રોલ 39 પૈસા મોંઘું થતાં 80.38 રૂપિયા પ્રતિ લિટર વેચાયું હતું.
એ જ રીતે ડીઝલ 44 પૈસા મોંઘું થતાં 72.51 રૂપિયા લિટરના ભાવે વેચાયું હતું. કોલકાતામાં પણ બંને ઈંધણોમાં શનિવારે તેટલો જ વધારો થયો હતો. મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત 38 પૈસા વધતાં ભાવ 87.77 રૂપિયા પર પહોંચી ગયા હતા, તો ડીઝલના ભાવ 47 પૈસા વધતાં 76.98 રૂપિયે લિટરના ભાવે વેચાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer