મહેસૂલ અધિકારીએ લાંચ લેવામાં નોંધાવી હૅટ્ટ્રિક!

મુંબઈ, તા. 8 : મહેસૂલ અધિકારી સુભાષ કટ્ટેએ એક 'વિશિષ્ટ' હેટ્ટ્રિક નોંધાવી છે. 20 વર્ષમાં તે લાંચ લેતાં ત્રણ વખત રંગે હાથ પકડાયો છે. ત્રીજી વાર તે આ મહિને ઝડપાયો છે.
પહેલી ઘટનામાં પુરાવાના અભાવે તેનો નિર્દોષ છુટકારો થયો હતો. બીજી વખત લાંચ લેવાનો કેસ વિશેષ ન્યાયાધીશ પાસે પ્રલંબિત છે અને હવે ત્રીજી વાર લાંચ લેવાના કેસમાં તેને અદાલતી કસ્ટડીમાં ધકેલી દીધો છે.
સિનિયર એસીબી અધિકારીએ કહ્યું હતું કે સૌપ્રથમ વખત માર્ચ 1996માં કટ્ટે ફરિયાદી પાસેથી રૂા. 400ની લાંચ લેતાં પકડાયો હતો. ફરિયાદી જમીનના રેકર્ડ રજૂ કરવા માગતો હતો. પ્રીવેન્શન અૉફ કરપ્શન ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, પરંતુ 2003માં પુરાવાના અભાવે તેનો નિર્દોષ છુટકારો થયો હતો.
ફેબ્રુઆરી 2014માં કટ્ટે ફરીથી રૂા. 2000ની લાંચ લેતાં રંગેહાથ પકડાયો હતો. મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ માર્ગના સર્વે માટેનો અનુકૂળ અહેવાલ આપવા માટે એણે નાણાં માગ્યાં હતાં. પ્રીવેન્શન અૉફ કરપ્શન ઍક્ટ 1988 હેઠળ ગુનો નોંધાયો છે અને બીડમાં વિશેષ ન્યાયાધીશ સામે આ કેસ પેન્ડિંગ છે.
હવે, સપ્ટેમ્બર 2018માં, રાશનની દુકાનના માલિક પાસેથી રૂા. 2000ની લાંચ લેતાં તે પકડાયો છે. રાશનની દુકાનના તપાસનો અનુકૂળ અહેવાલ આપવા માટે નાણાંની માગણી કરી હતી. પ્રથમવખત સુધારિત પ્રીવેન્શન અૉફ કરપ્શન ઍક્ટ, 2018 હેઠળ ગુનો નોંધાયો છે.
સુધારિત કાયદો, દૈનિક ધોરણે ટ્રાયલ પૂરી થઈ જવી જોઇએ એવી જોગવાઈ ધરાવે છે અને તે પણ બે વર્ષમાં પૂરી થવી જોઇએ. જો તેમાં વિલંબ થાય તો મુખ્ય અધિકારીએ કારણો રેકર્ડ કરવાં પડશે. નવા કાયદામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષ માટેની જોગવાઈ છે, જે દંડ સાથે સાત વર્ષ સુધી પણ લંબાવી શકાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer