આધારનો ટાર્ગેટ પૂરો કરવા બૅન્કોને મહેતલ : 1 નવેમ્બરથી પેનલ્ટી ભરવી પડશે

કોલકાતા, તા. 8 : આઇસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બૅન્ક અૉફ બરોડા સહિત 23 બૅન્ક પહેલી નવેમ્બરથી રોજ બ્રાન્ચદીઠ આઠ નોંધણી નહીં કરે તો તેમણે પશ્ચાદવર્તી અસરથી પેનલ્ટી ચૂકવવી પડશે. યુનિક આઈડેન્ટિફિકેશન અૉથોરિટી અૉફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ ગયા સપ્તાહે બૅન્કોને પહેલી નવેમ્બરથી બ્રાન્ચદીઠ ઓછામાં ઓછી આઠ નોંધણી અથવા અપડેશન્સ કરવા જણાવ્યું છે. બાકી તેમાં બૅન્કો નિષ્ફળ રહેશે તો જુલાઈ, 2018થી પેનલ્ટીનો સામનો કરવો પડશે.
આ નિર્દેશોથી સિનિયર બૅન્કર્સ રોષે ભરાયા છે. તેમણે દલીલ કરી હતી કે યુઆઈડીએઆઈ નિયમનકર્તા નથી તોપણ તે આરબીઆઈને અવગણી બૅન્કોને દંડ કેવી રીતે કરી શકે? યુઆઈડીએઆઈએ પહેલી જુલાઈએ જણાવ્યું હતું કે આધારની સુવિધા ધરાવતી નિર્ધારિત બૅન્ક શાખાઓ પહેલી જુલાઈથી બ્રાન્ચદીઠ ઓછામાં ઓછા આઠ, પહેલી અૉક્ટોબરથી 12 અને પહેલી જાન્યુઆરી 2019થી 16 એનરોલમેન્ટ કે અપડેશન્સ કરવાના રહેશે.
પ્રથમ તબક્કામાં અમલ માટેની મર્યાદા વધારી 1 નવેમ્બર કરવામાં આવી છે. યુઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર આધાર એક્ટ 2016ની જોગવાઈ પ્રમાણે યુઆઈડીએઆઈ પાસે પગલાં લેવાની સત્તા છે. એસબીઆઈ અને પીએનબીએ આધાર માટે અપાયેલા ટાર્ગેટનું સંપૂર્ણ પાલન કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer