કંપનીઓના 18 લાખ બોગસ ડિરેક્ટરને હાંકી કઢાશે

નવી દિલ્હી, તા.  8 : કોર્પોરેટ બાબતના મંત્રાલયે કોર્પોરેટ ક્ષેત્રમાંથી કચરો વીણી વીણીને સાફ કરવા માટે અને રજિસ્ટ્રી અપડેટ કરવા માટે ડિરેક્ટર્સ માટેનું મેગા કેવાયસી (નો યોર કસ્ટમર) અભિયાન ધારદાર નીકળ્યું છે. આ અભિયાનના અંતે ડિરેક્ટર્સની અત્યારની સંખ્યા જે કુલ 33 લાખની હોવાનું કહેવાય છે તે માત્ર 1.5 લાખની રજિસ્ટર રહેશે. બાકીના ડમી ડિરેક્ટરની સાફસૂફી થઈ જશે , એમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું.
અધિકારીએ કહ્યું કે, ``કેવાયસીને અનુરૂપ વ્યક્તિના મૂળ ઓળખપત્રની ચોક્કસપણે ખરાઈ કરાશે. ડિરેક્ટર્સની મૂળભૂત માહિતી મેળવવી આવશ્યક છે.''
આ અભિયાન હેઠળ કંપની ડિરેક્ટરે પાસપોર્ટ, પાન અને તેમના સંપર્કની વિગતો આપવી પડશે. આ તમામ વિગતો કંપની સેક્રેટરી અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ ફાઈલ કરતી વખતે દર વર્ષે અપડેટ કરવી પડશે. આ સિવાય, કંપનીના સરનામાં માટે અલગ ફોર્મ છે, જેને વાર્ષિક ધોરણે કંપની સેક્રેટરીએ અપડેટ કરવું પડશે. નવી ખોખા કંપનીઓ બનતી અટકાવવા માટે આ પગલાં લેવાયાં છે. 
અધિકારીએ કહ્યું કે સરકાર કોર્પોરેટ ક્ષેત્રને ખોખા કંપની અને બોગસ ડિરેક્ટર્સથી બચાવવા માગે છે, કારણ કે ઠગ બિઝનેસમેન તેના ઘરમાં કામ કરતાં નોકર, ડ્રાઈવર અથવા માળીને બોર્ડમાં મેમ્બર તરીકે નિયુક્ત કરે છે. ઘણી વાર ડિરેક્ટર બનનારી આ વ્યક્તિઓને ખબર પણ નથી હોતી કે તેઓ કોઈ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપની અથવા તેના માલિક સામે પગલાં લેવાય ત્યારે જ તેમને આ જાણ થાય છે. સીએ અથવા સીએસના પ્રમાણપત્રની આવશ્યકતા એ વાતની ખાતરી કરે છે કે ડિરેક્ટરની ઓળખ પુરવાર થઈ છે અને બોર્ડના સભ્યોને તેમના હોદ્દાની જાણ છે.
અધિકારીએ કહ્યું કે, ``ડિરેક્ટર એ વ્યક્તિ છે જેને કાયદામાં નક્કી કરેલી મર્યાદા પ્રમાણે 20 કંપનીમાં ડિરેક્ટર બનવાની મંજૂરી છે. એટલે કંપની પાસે તેમના ડિરેક્ટરની સંપૂર્ણ વિગત હોવી જરૂરી છે. ખોખા કંપનીનું અસ્તિત્વ જ રહે નહીં એવા પગલાં લેશું.''  
કોર્પોરેટ બાબત મંત્રાલયે ગયા વર્ષે એવી 2.26 લાખ કંપનીને ઓળખી હતી જેણે સતત બે વર્ષ કે તેથી વધારે સમયથી ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ અથવા વાર્ષિક રિટર્ન ફાઈલ નહોતા કર્યા. આ સિવાય 3.9 લાખ એવા ડિરેક્ટર્સને ડિસક્વોલિફાય કર્યા હતાં જેમણે છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ (2013-'14, 2014-'15 અને 2015-'16) ના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ અથવા વાર્ષિક રિટર્ન ફાઈલ નહોતા કર્યા. 
અધિકારીએ કહ્યું કે ટાસ્ક ફોર્સે ખોખા કંપનીઓનો ડેટાબેઝ સિરિયસ ફ્રોડ અૉફિસ દ્વારા તૈયાર કર્યો હતો. યાદીમાંથી બહાર કાઢવામાં આવેલી કંપનીઓના ખાતાં સીલ કરી દીધા હતાં અને તેના ડિરેક્ટર્સને તે ખાતાંનું સંચાલન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer