ભારત, ચીનને સબસિડી આપવી મૂર્ખતાભર્યું, તે રોકવી છે : ટ્રમ્પ

શિકાગો, તા. 8: ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશોને મળી રહેલી સબસિડીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખત્મ કરવા માગે છે, કારણ કે ભારત અમેરિકાને પણ વિકાસશીલ દેશ માને છે અને ઈચ્છે છે કે અમેરિકા અન્ય દેશોના મુકાબલે વધુ તેજીથી આગળ વધે.
નોર્થ ડાકોટાના ફાર્ગો શહેરમાં એક ફન્ડ રેઈઝર કાર્યક્રમ દરમિયાન કરેલા સંબોધનમાં તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન (ડબ્લ્યુ ટી ઓ) પર ચીનને મોટી આર્થિક તાકાત બનવા છૂટ આપ્યાનો આરોપ મૂકયો હતો. ટ્રમ્પે જણાવ્યુ હતું કે કેટલાક એવા દેશો છે જેની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે. કેટલાક દેશ હજી પરિપકવ નથી થયા તેથી તેની સબસિડી અમે વેઠી રહ્યા છીએ, ભારત અને ચીન જેવા દેશો વાસ્તવમાં તેજીથી આગળ વધી રહ્યા છે એમ જણાવી ટ્રમ્પે ટકોર કરી હતી કે તમામ દેશો પોતાને વિકાસશીલ દેશ ગણાવે છે અને તે અનુસંધાને તેઓ સબસિડી મેળવે છે. અમારે તેઓને નાણાં દેવા પડે છે, આ બધું મૂર્ખામીભર્યુ છે. અમે તે રોકવા માગીએ છીએ અને અમે તે રોકી દીધી છે. અમે ય વિકાસશીલ દેશ છીએ. ઓકે ? અમે ય કોઈ પણ દેશના મુકાબલે તેજીથી આગળ વધી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યુ હતું.  અમેરિકા-ચીન વચ્ચે જ્યારે વ્યાપાર જંગ છેડાયો છે તેની પશ્ચાદભૂમાં ટ્રમ્પે જણાવ્યુ હતું કે ચીનના પ્રમુખ શી જિનપિંગનો મોટો ફેન છું, પણ મેં તેમને જણાવી દીધું છે કે આપણે નિષ્પક્ષ રહેવું પડશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer