પાલિકાની આકરી શરતોને કારણે 189માંથી માત્ર 15 મેદાનો દત્તક લેવા માટે અરજીઓ આવી!

મુંબઈ, તા. 8 : બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ તેની ખુલ્લા મેદાનો દત્તક લેવા માટેની વચગાળાની નીતિ હેઠળ મૂકેલા 189 રમતના મેદાનો અને રિક્રિયેશન ગ્રાઉન્ડ્સમાંથી માત્ર 15ની જ સ્વીકૃતિ થઈ છે. 
કડક નિયમોવાળી નીતિના અભાવે પાલિકાએ સ્વીકૃતિ માટે આપેલી 216 ખુલ્લી જગ્યાઓને રિક્લેઈમ કરવાનો નિર્ણય કર્યો હતો. વચગાળાની નીતિ તૈયાર થઈ ગયા પછી આ રિક્લેઈમ્ડ પ્લોટ સૂચિત સમય ગાળા અને ફીની શરતો સાથે ફરીથી એડોપ્શન માટે અપાશે. 27 પ્લોટ્સ હજી પણ જૂના એડોપ્ટી પાસે છે.
પાલિકાએ જણાવ્યા પ્રમાણે સિટિઝન ગ્રુપ્સ અને એનજીઓ, જેમાંના ઘણા ખરાં અગાઉ પ્લોટ ધરાવતા હતાં, તેમણે ફરીથી ચેમ્બુર, સાંતાક્રુઝ, સાયન અને ભાંડુપમાં પ્લોટ એડોપ્ટ કરવા માટે સંપર્ક કર્યો હતો. પાલિકાના બગીચા વિભાગના અધિકારીએ કહ્યું કે, ``કોઈ નવી અરજીઓ નથી આવી. જૂના કેર ટેકર્સે ખુલ્લી જગ્યાઓની જાળવણી માટે ફેરઅરજી કરી છે.''
ઈન્ટરિમ ઓપન સ્પેસ પૉલિસી ખાનગી એકમોને નાગરિકોને નોન-ડિસક્રિમીનેટરી એક્સેસ અને વિના મૂલ્યે પ્રવેશ આપી શકે ત્યાં સુધી ખુલ્લી જગ્યાની જાળવણી કરવાની પરવાનગી આપે છે. પાલિકા આ પ્લોટ્સ ઉપર વ્યાપારી અથવા રાજકીય પ્રવૃત્તિને પરવાનગી નથી આપતી. 
પૉલિસી હેઠળ રસ ધરાવતી વ્યક્તિએ વોર્ડ-સ્તરની કમિટીને અરજી કરવાની રહે છે, જે તેમની પાત્રતાને ચકાસીને પ્લોટ ફાળવે છે. જોકે, પાલિકાને કોઈ પણ સમયે નોટિસ આપ્યા વગર પ્લોટ પાછો લઈ લેવાનો હક છે. પાલિકાની તમામ શરતોનું પાલન એડોપ્ટીએ કરવાનું રહે છે. 
સિટિઝન ગ્રુપ જેનું માનવું છે કે આ પગલાંથી ખાનગી કંપનીઓ દ્વારા જમીન હડપ થઈ શકે છે, તેણે ખુલ્લી જગ્યાઓની પાલિકા જાળવણી કરે એવી ભલામણ કરી છે. એનજીઓ નગરના નૈના કઠપલિયાએ કહ્યું કે, ``અમારું વલણ સ્પષ્ટ છે. પાલિકાએ તેની ખુલ્લી જગ્યાની જાળવણી હોર્નિમન સર્કલ ગાર્ડન અને કમલા નહેરુ પાર્કની જેમ કરવી જોઈએ. આ ઉપરાંત જો તેઓ એમ ઈચ્છતા હોય કે અન્યો આ જગ્યાનું ધ્યાન રાખે તો તેના માટે પૉલિસી હોવી જોઈએ જે હેઠળ મહત્તમ ત્રણથી પાંચ વર્ષ માટે એડોપ્શનને મંજૂરી આપવી જોઈએ.''
પાલિકાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્લોટ ઉપર વ્યાવસાયિક પ્રવૃત્તિને પરવાનગી નહીં આપવાની શરતને કારણે લોકોનો પ્રતિસાદ મોળો છે. ``એડોપ્ટી જાહેર જનતાને વિના મૂલ્યે પ્રવેશ આપવા સહમત છે પણ વ્યાવસાયિક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ માટે તેઓ સહમત નથી. પૉલિસીના નિયમ એટલા કડક છે કે રસ ધરાવતી પાર્ટીને ખુલ્લી જગ્યાની જાળવણી માટેનો કોઈ નાણાકીય લાભ જણાતો નથી.''

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer