ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાંથી આઇડિયા લઇ કેશોદના બીલ્ડરની હત્યા થઇ હતી

લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : માળિયા હાટીનાના શખસની ધરપકડ

જૂનાગઢ/કેશોદ, તા. 8: જૂનાગઢ જિલ્લાના કેશોદના બિલ્ડર પાસેથી રૂ. 4 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવ્યા બાદ હત્યાના ચકચારી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસે માળિયા હાટીનાના હત્યારાને ઝડપી લઇ સોનાની વીટી તથા મોબાઇલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
કેશોદના બિલ્ડર કેવલ રમેશભાઇ સવાણી ઉ. 28ની હત્યા કરાયેલી લાશ ગત તા. 30ના સાંજે મળી હતી અને સોનાની આઠ વીંટીઓ તથા ચેઇન મળી કુલ રૂ. 4 લાખના દાગીનાની લૂંટ થઇ હતી. પોલીસે મૃતકના પિતા રમેશભાઇ ઉર્ફે ભુપતભાઇની ફરિયાદના આધારે અજાણ્યા શખસ સામે લૂંટ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રેન્જ આઇ.જી.પી. તથા જિલ્લા પોલીસવડાએ લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ પોલીસ ટીમોને કામે લગાડી હતી. દરમ્યાનમાં ક્રાઇમ બ્રાંચના જમાદાર બેલીમ તથા કોન્સ. ધાંધલને ખાનગી રાહે બાતમી મળેલ કે આ ગુનો માળિયા હાટીનાના મહોબતસિંહ હનુભાઇ સિસોદીયા (ઉ.29)એ કર્યો છે. તેથી પોલીસે તેના ઉપર વોચ રાખી ગતસાંજે ઝડપી લીધો હતો.
આ ઝડપાયેલ આરોપી પાસેથી એક સોનાની વીંટી તથા બે મોબાઇલ કબજે કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે લૂંટના ઇરાદે હત્યા કર્યાની કબુલાત આપી હતી અને મૃતક કેવલના મૃતદેહ ઉપરથી આઠ વીંટીઓ તથા ચેઇન મોબાઇલ ફોન મળી રૂ. 4 લાખના મુદ્માલ લૂંટી લીધા હતા.
હત્યારાએ લૂંટના ઇરાદે હત્યાને અંજામ આપવા પોતાના મોબાઇલનો ઉપયોગ પણ કર્યો ન હતો. અને સેન્ટ્રીંગના લાકડાના ધોકાથી હત્યા કરી હતી. આ કૃત્ય ટીવી ઉપર આવતી ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇ પ્લાન ઘડયો હતો, તેવી પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer