રાહુલ, માયાવતી અને અખિલેશ સહિત સંઘે 3000 લોકોને આપ્યું આમંત્રણ

ભવિષ્ય કા ભારત : સંઘ કી દૃષ્ટિ કાર્યક્રમ માટે અનેક ક્ષેત્રના અગ્રણીઓને ઈજન

નવી દિલ્હી, તા. 8: આરએસએસએ પોતાના ત્રીદિવસીય કાર્યક્રમ માટે દેશભરના 3000 જાણીતા ચહેરાઓને આમંત્રણ આપ્યું છે. આ લોકોમાં તમામ રાજનીતિક વિચારાધારાઓ, સામાજિક અને ધાર્મિક સમૂહો, અલ્પસંખ્યક નેતાઓ સહિત નિવૃત્ત સનદી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. 17થી 19 સપ્ટેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમમાં આરએસએસ ચીફ મોહન ભાગવત આ તમામ લોકો સાથે સંવાદ કરશે. કહેવાઇ રહ્યું છે કે, કાર્યક્રમ માટે રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે તેમજ માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનરજી, ચંદ્રાબાબુ નાયડુ સહિતના નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભવિષ્ય કા ભારત : સંઘ કી દૃષ્ટિ કાર્યક્રમ માટે આરએસએસએ આમંત્રણ મોકલવા માટે અગાઉ સંઘના કાર્યક્રમમાં ભાગ લઈ ચૂકેલા લોકોની પણ યાદી બનાવી છે. સંઘના કહેવા પ્રમાણે વધુને વધુ લોકો સંઘની વિચારધારાથી અવગત થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે કાર્યક્રમમાં સામેલ થવા ઉપર કોઈ વિવાદ ન થાય તે માટે આમંત્રિત મહેમાનોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. તેવું સંઘના એક સિનિયર કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું છે. વધુમાં મોટાભાગના લોકોએ આમંત્રણ ઉપર હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વિજ્ઞાન ભવનમાં યોજાનારા કાર્યક્રમ માટે સંઘના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, તેઓ કોઈને અલગ રાખવા માગતા ન હોવાથી તમામ ધર્મના આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેના કારણે સંઘ મામલે લોકોમાં રહેલી રૂઢિચુસ્તતા દૂર થઈ શકે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer