વિસ્ફોટકો પકડાયા બાદ એટીએસની રાજ્યભરમાં કાર્યવાહી, વધુ 14ને તાબામાં લેવાયા

વિસ્ફોટકો પકડાયા બાદ એટીએસની રાજ્યભરમાં કાર્યવાહી, વધુ 14ને તાબામાં લેવાયા
સનાતન સંસ્થાનના વકીલે કહ્યું, એટીએસ હિંદુવાદી સંગઠનોને બદનામ કરવાનો પ્રયાસ કરે છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : નાલાસોપારામાં શુક્રવારે બૉમ્બ બનાવવાની સામગ્રી તેમ જ અન્ય વિસ્ફોટકો જપ્ત કરાયાની સાથે જ એક હિંદુવાદી સંગઠનના ત્રણ કાર્યકરોની નાલાસોપારા અને પુણેમાંથી ધરપકડ બાદ રાજ્યની આતંકવાદ વિરોધી પોલીસ ટીમ (એટીએસ)એ આજે રાજ્યભરમાં વધુ શકમંદોને અટકમાં લેવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. શનિવારે રાજ્યભરમાંથી વધુ 14 જેટલા શંકાસ્પદોને તાબામાં લેવાયા હતા. શુક્રવારે નાલાસોપારામાં હિંદુ જનજાગૃતિના કાર્યકર વૈભવ રાઉતના ઘરે દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિસ્ફોટકો પકડાયા બાદ રાઉત અને તેના બે અન્ય સાથીદારો સુધન્વા ગોંધળેકર તેમ જ શરદ કળસકરની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય આરોપીની પૂછપરછના આધારે એટીએસે રાજ્યમાં વધુ કેટલાંક સ્થળે વ્યાપક અૉપરેશન હાથ ધર્યું છે અને આવી કથિત ખંડનાત્મક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાં મનાતાં તત્ત્વોની અટકનો દોર શરૂ કર્યો છે. મુંબઈ, પુણે, સાતારા, સોલાપુર અને થાણે જિલ્લામાં આ કાર્યવાહી થઇ રહ્યાંનું સૂત્રોએ જણાવ્યું હતું.
સનાતન સંસ્થાનના વકીલ શું કહે છે?  
રાઉત સનાતન સંસ્થાન અને ગોંધળકર ભીમા-કોરેગાંવ હિંસાચાર પ્રકરણે વિવાદમાં આવેલા સંભાજી ભિડેના શિવ પ્રતિષ્ઠાન સાથે સંકળાયેલો હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે, સનાતન સંસ્થાન તરફથી રાઉત તેમનો કાર્યકર હોવાનો ઇનકાર કરાયો હતો. સાથે જ સનાતનના વકીલ સંજીવ પુનાળેકરે આક્ષેપ કર્યો હતો કે તપાસના નામે એટીએસ પકડાયેલા આરોપીઓની મારપીટ કરીને કેસ સાબિત કરવાનું દબાણ લાવી રહ્યા છે. પુનાળેકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે એટીએસ ચોક્કસ હેતુસર હિંદુવાદી સંઘટનાને નિશાન બનાવી રહી છે. ધરપકડ કર્યા બાદ તેમની સાથે મારપીટ કરાઇ રહી છે. 
રાઉતના ઘર અને દુકાનમાંથી મળીને 20 દેશી બૉમ્બ, વિસ્ફોટકો તેમ જ બૉમ્બ બનાવવાની સામગ્રી અને સાહિત્ય પકડાયું હોવાનો એટીએસે દાવો કર્યો છે. જોકે, પુનાળેકરે આક્ષેપ કર્યો હતો કે આ સમગ્ર પ્રકરણે એટીએસની કામગીરી જ શંકાસ્પદ છે. રાઉત સનાતનનો પદાધિકારી નથી, પરંતુ રાઉત ગૌરક્ષક તરીકે કામ કરતો હોવાનું તેમ જ તે સીધો-સાદો યુવક હોવાનું વકીલે કહ્યું હતું.
રાજકારણ શરૂ થયું : હાલમાં મરાઠા સમાજનું અનામતની માગણી માટે આંદોલન ચાલી રહ્યું હોવાથી આ પ્રકરણને મરાઠા આંદોલન સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ટ્વીટ કર્યું હતું કે વૈભવ રાઉત અને તેના બે સાથીદારો પાસેથી એટીએસે જપ્ત કરેલા આઠ ક્રૂડ બૉમ્બ અને પચાસ જેટલા બૉમ્બ બનાવવાની સામગ્રી મરાઠા આંદોલન દરમિયાન હિંસાચાર ફેલાવવા માટે હોવાની શંકા છે. આ પ્રકરણ મહારાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવાના કાવતરાંના ભાગરૂપે પણ હોઇ શકે છે. 
આવ્હાડે સનાતન સંસ્થાનના વકીલ સંજીવ પુનાળેકરની ધરપકડ કરવાની માગણી કરતા ટ્વીટમાં જણાવ્યું હતું કે નક્સલવાદીઓના વકીલ ગડલિંગની ધરપકડ કરવામાં આવી હતી તેમ બૉમ્બ સ્ફોટના આરોપીઓનું ખુલ્લેઆમ સમર્થન અને બચાવ કરી રહેલા પુનાળેકરની દેશદ્રોહના આરોપસર ધરપકડ કરવી જોઇએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer