ગુજરાતમાં નવરાત્રિ વૅકેશન જાહેર કરાવાની સાથે રાજકારણ પણ શરૂ

ગુજરાતમાં નવરાત્રિ વૅકેશન જાહેર કરાવાની સાથે રાજકારણ પણ શરૂ

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 11 : ગુજરાત સરકારે નવરાત્રિમાં 10 દિવસનું વેકેશન જાહેર કરતાં વિવાદનો નવો વંટોળ સર્જાયો છે. વિપક્ષ કહે છે કે સરકારે નવા મતદાતાને લલચાવવા આ વેકેશન જાહેર કર્યું છે તો સરકાર વિપક્ષને વાંકદેખી ગણાવતા કહે છે કે વિદ્યાર્થી ને તકલીફ ના પડે એ માટે આ વેકેશન 7 દિવસનું હશે અને શૈક્ષણિક સત્રમાં કોઈ ફેરફાર નહીં થાય. દિવાળી વેકેશન ઘટાડવામાં આવશે. 
 ગુજરાતમાં સ્કૂલ અને કૉલેજ શરૂ થતાંની સાથે જ એકેડેમિક કેલેન્ડર બહાર પડે છે જેમાં શૈક્ષણિક સત્રના પહેલા ભાગમાં 95 દિવસ અને બીજા ભાગમાં 120 દિવસ રાખવામાં આવે છે જેથી ધોરણ 10 અને 12ની પરીક્ષા પછી એડમિશનની પ્રક્રિયા સરળ થાય અને એકેડેમિક કેલેન્ડર બરાબર જળવાઈ રહે પરંતુ આ એકેડેમિક કેલેન્ડર બન્યા પછી સરકારે નવરાત્રિનું વેકેશન જાહેર કરતાં દિવાળી પહેલાંની પરીક્ષાનું ટાઈમટેબલ અને બીજા શૈક્ષણિક સત્રના દિવસોને ગોઠવવા અઘરા પડી રહ્યા છે, કારણકે ભૂતકાળમાં એવો પ્રયોગ 1995માં પહેલી વાર ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની ત્યારે શિક્ષણપ્રધાન નલિન ભટ્ટે નવરાત્રિનું વેકેશન જાહેર કર્યું હતું ત્યારે એકેડેમિક કેલેન્ડર ખોરવાઈ જતાં બીજા વર્ષથી નવરાત્રિનું વેકેશન સરકારે બંધ કર્યું હતું. 
 આ વર્ષે ગુજરાત સરકારે નવરાત્રિનું વેકેશન જાહેર કરતાં જ વિદ્યાર્થીઓની ચિંતા કરવાને બદલે રાજકારણ રમાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવરાત્રિનું વેકેશન આપી રહી છે. 22 વર્ષમાં નવરાત્રિનું વેકેશન નહીં આપનાર સરકાર આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં હાર જોઈને યુવા મતદારોને આકર્ષવા આ વેકેશનની જાહેરાત કરી રહી છે. 
તો બીજી તરફ સરકાર વિપક્ષને વાંકદેખી ગણાવતા કહે છે કે માતાજીના પર્વ અને ગુજરાતમાં નવરાત્રીનું મહત્ત્વ જોતાં આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે નવરાત્રિ સમયે ગુજરાતમાં એનું મહત્ત્વ જોઈ આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને સ્કૂલ કૉલેજના એકેડેમિક કેલેન્ડર પર અસર ના પડે એ માટે 7 દિવસનું વેકેશન રાખવામાં આવ્યું છે અને દિવાળી વેકેશનને ટૂંકું કરવામાં આવ્યું છે જેથી કોઈ સમસ્યા ના સર્જાય. 
સરકાર ભલે બચાવ કરે પરંતુ ગુજરાતમાં આ વર્ષે પોણા બે ટકા નવા યુવા મતદાતા ઉમેરાયા છે. ગત વખતે  સવા ટકા નવા મતદાતા દ્વારા થયેલા મતદાનની સરકાર પર અવળી અસર પડી હતી ત્યારે નવા મતદાતા વધુ ઉમેરાય તેના માટે 1995ની જેમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને દિવાળી વેકેશન ઘટાડવાની વાત કરાય છે અને રાજકારણ પણ શરૂ થઇ ગયું છે, પરંતુ વેકેશનના નામે રાજકારણ રમી રહેલા રાજકારણીઓ ઇતિહાસમાંથી શીખતા નથી જેના કારણે આ વેકેશનનો વિવાદ ભલે જે પાર્ટીને ફાયદો કરાવે પરંતુ વિદ્યાર્થીઓને જરૂર નુકસાન કરાવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer