વડોદરામાં ત્રણ માળનું મકાન ધરાશાયી : પાંચ દબાયા, એકનું મોત

વડોદરામાં ત્રણ માળનું મકાન ધરાશાયી : પાંચ દબાયા, એકનું મોત

નવ માસની બાળકી સહિત ચારનો બચાવ 

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા.11 : શહેરના માંડવી ગેંડીગેટ રોડ પર ચિત્તેખાનની ગલી પાસે ફકરી મહોલ્લા નં.2 માં આવેલું પચાસ વર્ષ જૂનું ત્રણ માળનું જર્જરિત મકાન મધરાતે ધડાકા સાથે ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં નિદ્રાધીન પાંચ વ્યકિતઓ દબાયા હતા. જેમાં પરિવારના મોભીનું મોત નીપજયું હતું.  જયારે નવ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી ચોખંડી રોડ પર આવેલ એક જર્જરિત મકાન ગત રાત્રીના સમયે એકાએક કકડભૂસ થયું હતું. મકાનમાં રહેતા નવ મહિનાના બાળક સાથે પાંચ લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને કરતા ફાયર ફાયટર બચાવ કામગીરી માટે આવી પહોંચ્યા હતા. અને કાટમાળ ખસેડી પરિવારજનોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. 
આસપાસના રહીશો પણ ફાયર બ્રિગેડની મદદે દોડી આવ્યા હતા.  ફયાર બ્રિગેડ દ્વારા કલાકોની જહેમત બાદ પાંચેયને બહાર કાઢવામાં આવ્યા હતા. 
દબાયેલા પાંચ વ્યકિતઓ પૈકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બદરૂદ્દીન  કૂવાવાલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. જયારે અન્ય ચારને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
જાણવા મળ્યા મુજબ રાત્રે 1 વાગે ચિત્તેખાન ગલીમાંથી ડી.જે. પસાર થયું હતું. કાન ફાડી નાખે તેવા અવાજની સાથે પસાર થયેલા ડી.જે.ના કારણે બદરૂદ્દીન કૂવાવાલાના જર્જરિત મકાનના કાંગળા ખર્યા હતા. પરંતુ પરિવારે આ બાબતે ધ્યાન આપ્યું નહોતું અને સુઈ ગયા હતા. પરંતુ અઢી વાગ્યાના સુમારે તેઓનું મકાન ધરાશાયી થઈ ગયું  હતું. આ મકાન તૂટી પડતા તેની આજુબાજુમાં આવેલા બે જર્જરિત મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. 
આ ઘટનામાં મોભી બદરૂદ્દીન કૂવાવાલા (ઉ.વર્ષ 58)નું મોત નીપજયું હતું. જયારે  ઈજાગ્રસ્ત  ઝહેરાબાનુ ઉં.વર્ષ. 46, સમીરાબાનુ 27 વર્ષ, સમીનાબાનુ 18 વર્ષ. અને નવ માસની બાળકી ઝોયાને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer