નવનિયુક્ત વૉર્ડ અૉફિસર સુનીલ સરદારે આપી ખાતરી

નવનિયુક્ત વૉર્ડ અૉફિસર સુનીલ સરદારે આપી ખાતરી
મુંબાદેવીમાં સુવર્ણકારોની ચીમનીઓ ફરીથી તોડવાની કામગીરી આવતી કાલથી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.11 : કાલબાદેવી અને ભૂલેશ્વરમાં સુવર્ણકારોના કારખાનાઓમાંથી ઝેરી ધૂમાડા ઓકતી ગેરકાયદે ચીમનીઓ હટાવવાની નવેસરથી કાર્યવાહી સોમવારથી શરૂ કરાશે, એમ `સી' વૉર્ડના નવનિયૂક્ત સહાયક કમિશનર સુનિલ સરદારે જણાવ્યું હતું. મુંબાદેવીમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે જોખમી બની રહેલી સુવર્ણકારોના કારખાનાઓની ચીમનીઓ હટાવવા માટે પ્રયાસરત ભૂલેશ્વર અને કાલબાદેવી રેસિડેન્ટ્સ ઍન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશનના સભ્યો હરકિસનભાઇ ગોરડિયા તેમ જ દેવેન્દ્ર શાહ શુક્રવારે નવાં નિમાયેલા વૉર્ડ અૉફિસર સરદારને મળ્યા હતા અને આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચીમનીઓ હટાવવા સંબંધી કાર્યવાહીની સમિક્ષા કરવામાં આવી હતી. 
ગોરડિયાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પાલિકાના નવા નિમાયેલા ઝોનલ અૉફિસર અને નાયબ પાલિકા કમિશનર હર્ષદ કાળેને મળ્યા બાદ તેમની સૂચના પ્રમાણે શુક્રવારે અમે વૉર્ડ અૉફિસરને મળ્યા હતા. સરદારે અમારી રજૂઆત સાંભળીને ખાતરી આપી હતી કે સોમવારથી નવેસરથી ગેરકાયદે ચીમનીઓ સામે કાર્યવાહી શરૂ કરાશે. કાળેની જેમ જ સરદારે પણ અમને જણાવ્યું હતું કે તોડકામની કાર્યવાહી માટે કર્મચારીઓની અછત છે અને પાલિકા આ માટે કોન્ટ્રેક્ટ આપવાનું વિચારી રહી છે. ટૂંક સમયમાં આ કાર્યવાહી કરાશે ઉપરાંત અન્ય બે મોટા અધિકારીઓની જગ્યા પણ ખાલી પડેલી છે, તેમના સ્થાને નવા અધિકારીની નિમણુક માટે પણ ઉચ્ચસ્તરે રજૂઆત કરાઇ છે. 
ઉલ્લેખનિય છે કે ગોરડિયા મુખ્ય પ્રધાનને મળ્યા બાદ સરકારે ત્રણ મહિનામાં ગેરકાયદે ચીમનીઓ હટાવવાનો પાલિકાને આદેશ કર્યો હતો, પરંતુ હજુ સુધી આ આદેશનું પાલન નથી કરાયું. નાગદેવીમાં એક ગેરકાયદે બીલ્ડિંગ પ્રકરણે સી વૉર્ડના તત્કાલિન અૉફિસર જીવક ઘેગડમલ અને લાઇસન્સ તેમ જ બીલ્ડિંગ વિભાગના બે અધિકારીઓને એપ્રિલમાં સરકારે સસ્પેન્ડ કર્યા બાદ આ વૉર્ડ નધણિયાતો બન્યો હતો. દરમિયાન જૂનિયર એન્જિનિયર સંકેત સાખરકરે ચીમનીઓ હટાવવાની કામગીરી ચાલુ રાખી હતી, પરંતુ સુવર્ણકારો ફરીથી ચીમનીઓ ઉભી કરીને પાલિકાને પડકાર ફેંકી રહ્યાં છે. હવે નવાં વૉર્ડ અૉફિસર ચીમનીઓ સામે કેવી કાર્યવાહી કરે છે તેના પર મુંબાદેવીના રહેવાસીઓ અને વેપારીઓની નજર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer