મેટ્રો-3ના બાંધકામનો અવાજ મર્યાદા કરતાં વધુ : રહેવાસીઓની ઊંઘમાં ખલેલ પડે છે

મુંબઈ, તા. 11 : નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (નીરી)એ મુંબઈ હાઈ કોર્ટને જણાવ્યું છે કે કફ પરેડ સ્ટેશન સાઈટ પર ચાલતા મેટ્રો-3ના બાંધકામનો અવાજ માન્ય મર્યાદા કરતાં વધુ છે. અવાજની મર્યાદાનો દિવસે અને રાત્રે પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. વધુ અવાજનું મુખ્ય કારણ યોગ્ય રીતે લગાડયું નથી.
ગયા વર્ષે અૉગસ્ટમાં રાત્રે મેટ્રોના કામ પર બંધી મૂકવામાં આવી હોવાથી મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 18 જુલાઈના રોજ હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપ્યો કે અવાજનું સ્તર તપાસવાનું કામ નીરીને સોંપવામાં આવે. ત્યારબાદ `નીરી' દ્વારા સુપરત થનારા રિપોર્ટના આધારે મેટ્રોનું કામ રાત્રે ચાલુ રાખવું કે નહીં તે નક્કી કરાશે. 
મેટ્રોના બાંધકામનાં 7 સ્થળે 20 થી 28 જુલાઈ દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું કે અવાજ દિવસે તેમ જ રાત્રે પણ વધુ છે. આ સ્થળોમાં દિવસે 68.5 ડેસિબલ્સથી 91.9 અને રાત્રે 60.3થી 83.4 ડેસિબલ્સ અવાજ હતો. જ્યારે મર્યાદા દિવસે 55 ડેસિબલ્સ અને રાત્રે 45 ડેસિબલ્સની છે. 
નીરીએ નવેમ્બર 2015ના એમએમઆરસીના રિપોર્ટનો સંદર્ભ આપતાં કહ્યું કે, કામકાજના સ્થળે ધ્વનિરોધકો તેમ જ અન્ય સામગ્રી લગાડવી જરૂરી છે, પરંતુ આવા પ્રકારના બેરિયર્સ મેટ્રોના કામકાજનાં અમુક સ્થળે જ છે. કફ પરેડની સાઈટમાં ફક્ત દલામાલ પાર્ક અને પ્રકાશ પેઠે માર્ગના પરિસરમાં જ આ બેરિયર્સ છે. 
નીરીએ એમ પણ કહ્યું કે, દિવસે થતા બાંધકામના અવાજથી લોકોનાં આરોગ્યને ન પણ થાય પરંતુ જીવનની ગુણવત્તા ઉપર પ્રતિકૂળ અસર પડે છે. 
તેમ જ રિપોર્ટમાં ભલામણો કરી છે કે, સરખી ઉંચાઈના એકોસ્ટિક શેડ્સ અથવા પાર્ટિશિયનથી ધ્વનિ પ્રદૂષણ ઘટી શકે છે. અવાજ કરતાં મશીનોને ફક્ત દિવસ દરમ્યાન જ વાપરવાં જોઈએ. 
આ બાબતની આગામી સુનાવણી 20 અૉગસ્ટે થશે. 
રાતે થતા અવાજથી ઉંઘમાં ખલેલ પડી શકે, રહેવાસીઓનાં બીપી અને તાણ પણ વધી શકે, એમ નીરીના અહેવાલમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer