પર્યાવરણપ્રેમી 15વર્ષીય તરુણે લખ્યું ગાર્ડનિંગ વિશેનું પુસ્તક

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 11 : સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વાતો કરવાનું ટાળીને સ્માઈલી દ્વારા પોતાની અભિવ્યકિત બતાવતા હોય છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા 15 વર્ષના રિષી શાહે ગાર્ડંનિંગ કેવી રીતે કરવું તે વિષય પર પુસ્તક લખ્યું છે, જે વિશે વાત કરતાં રિષીએ જણાવ્યું હતું કે, લોકો ઘરમાં લીલોતરી કરવા માટે નવા અખતરા કરતા હોય છે, જેમાં હજારો રૂપિયાનો વેડફાટ થતો દેખાય છે. લોકોના રૂપિયા બગડે પણ નહીં અને ઘરમાં ઓછા ખર્ચે અને સુંદર ગાર્ડન બને તે માટે મેં ફેશન ધ ગાર્ડનના શીર્ષક હેઠળ પુસ્તક લખ્યું છે જેને નોશન પ્રેસે પબ્લિશ કર્યું છે. આ પુસ્તક વિશ્વભરમાં વેચાશે અને એમેઝોન દ્વારા પણ લોકો ઘેર બેઠાં ઓનલાઈન મેળવી શકશે. 
સ્કૂલનો પ્રોજેકટ પુસ્તકમાં પરિણમ્યો 
ધોરણ 10માં હતો ત્યારે પરીક્ષાના ભાગ રૂપે સ્કૂલમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેકટ બનાવવા આપવામાં આવ્યા હતા. જેમાં મેં મારા મનગમતા વિષય ગાર્ડનિંગ વિશે પ્રોજેકટ બનાવ્યો હતો. આ પ્રોજેકટ મારી સ્કૂલના શિક્ષકો અને મારા પરિવારના સભ્યોને ખૂબ ગમ્યો હતો. તેમણે વખાણ્યો. પછી તે પ્રોજેકટ પર મેં થોડું વધારે કામ કર્યું અને ગાર્ડનિંગ વિશે પુસ્તક લખ્યું , જેમાં તમામ ગાઈડન્સ આપવામાં આવ્યું છે.  છોડ ઉછેરવાનું વાતાવરણ ઘરમાં પણ મળી શકે તેમ છે. 30 થી 35 ડિગ્રી ઘરના તાપમાનમાં તમે રસોડામાં તુલસી, ચંપો, મેરિગોલ્ડ અને બોગનવેલના છોડને 250 થી 400 મિલિ લિટર પાણી આપીને જતન કરી શકો છો. જ્યારે બેઠક રૂમમાં એસી હોવાથી લેટસ, ગુલાબ અને ઓકિટસને 100 મિલિ લિટર પાણી આપીને તમે ઉછેર કરી શકો છો, તેમ રિષીએ જણાવ્યું હતું. 
4 વર્ષની ઉંમરે ફૂલો સાથે લગાવ થયો હતો
હું જયારે 4 વર્ષનો હતો ત્યારે મને ફલાવર જોડે લગાવ થઈ ગયો હતો. જેથી હું ઝાડને પાણી આપતો અને ફૂલને ચૂંટી લાવવાનુ કામ કરતો હતો. જેમ મોટો થતો ગયો તેમ ગ્રીનરી સાથે મારો લગાવ વધતો ગયો. ત્યારબાદ હું છોડ અને ઝાડ વિશે સશોધનો કરવા લાગ્યો હતો. ત્યારબાદ મારો તેમની સાથે સંવેદનશીલ સબંધ સ્થપાયો. પછી હું ઝાડને શેપ આપવા લાગ્યો અને નવાં નવાં ઝાડ વિશે માહિતી એકત્ર કરવા લાગ્યો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer