મની લૉન્ડરિંગ કિસ્સામાં પ્રૉપર્ટીની જપ્તિનો હક બૅન્કને મળશે

મુંબઈ, તા. 11 : એપેલેટ ટ્રિબ્યુનલે પ્રિવેન્શન અૉફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) સંબંધિત બાબતોમાં એ સિમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે કે બૅન્કોએ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોને ધિરાણ વખતે પહેલેથી જપ્તિના હક મેળવી લીધા હોય તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) આ હક માટે દાવો નહીં કરે.
ટ્રિબ્યુનલે વિન્સમ ડાયમન્ડસ ઍન્ડ જ્વેલરી કેસમાં ઇડી સાથેના વિવાદમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્કની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે પ્લેજ્ડ એસેટ્સ રિકવરી માટે ઉપલબ્ધ ન હોય એ ઇન્સોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી ઍક્ટની ભાવનાની વિરુદ્ધ ગણાશે. ચુકાદામાં જણાવ્યું હતું કે ગુનાહિત પ્રવૃત્તિના આરોપીનું જોડાણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાબિત ન થઈ શકે તો બૅન્કને મોર્ગેજ કરાયેલી પ્રૉપર્ટી જપ્ત કરી શકાય નહીં. બૅન્કો ધિરાણ સામે સુરક્ષા રીતે પ્રૉપર્ટી મોર્ગેજ કરે છે. આવી પ્રૉપર્ટીનો માલિક ફંડ ડાયવર્ઝન કે ધિરાણકારો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની ઘટના પહેલાં પ્રૉપર્ટી ખરીદવામાં આવે અને મોર્ગેજ કરવામાં આવી હોય તો જપ્તિ થઈ શકે નહીં.
ડિફોલ્ટર્સ પાસેથી રિકવરી માટે લડી રહેલી બૅન્કોને આ ચુકાદાથી રાહત મળશે, કારણ કે આવા કેસમાં ભંડોળની ઉચાપત માટે ઇડી અને સીબીઆઈની તપાસ ચાલુ છે. ટ્રિબ્યુનલનો ચુકાદો માન્ય રખાશે તો બૅન્કોની રિકવરી અને બેલેન્સશીટ સુદૃઢ બનાવવામાં મોટી મદદ મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer