ચાંદીનાં ઝવેરાતની નિકાસ પ્રથમ કવાર્ટરમાં 93.04 ટકા ઘટી

કોલકાતા, તા. 11 : વૈશ્વિક સ્તરે ભારતનું ચાંદીનું ઝવેરાત વૈશ્વિક બજારોમાં લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. જેમાં વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ કવાર્ટરમાં તેની નિકાસ ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 93.04 ટકા ઘટી હતી. અમેરિકા, મધ્ય-પૂર્વ અને અન્ય દેશોના ખરીદદકારો જાણે આ ધાતુથી દૂર રહેવા લાગ્યા છે. પ્રથમ છ મહિના દરમિયાન ચાંદીનો ભાવ રેન્જ બાઉન્ડ હતો. જેથી વિદેશી બજારોમાં તેની માગ પર અસર પડી છે. જોકે, વિશ્લેષકોના મતે ચાંદીના ભાવ લાંબા ગાળે વધી શકે છે, કારણ કે આ ધાતુ ફંડામેન્ટલી  મજબૂત છે.
એપ્રિલથી જૂન, 2018માં ચાંદીની નિકાસ 11.99 કરોડ ડૉલર થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાના 172.22 કરોડ ડૉલરની સરખામણીએ 93.04 ટકાનો ઘટાડો દાખવે છે. જ્યારે ચાંદીનો ભાવ પહેલી જાન્યુઆરી, '18ના કિલોગ્રામ દીઠ રૂા. 38,925 હતો તે ઘટીને રૂા. 37,780 આસપાસ બોલાય છે. ચાંદી હાલમાં અંડરવેલ્યુડ છે, પરંતુ તેમાં હવે ઘટાડાની સંભાવના મર્યાદિત છે. જે તાત્કાલિક રૂા. 37,000ની નીચે જાય એમ લાગતું નથી. 50 ટકા ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે થાય છે. હવે જો ચાંદી ફરી વધે તો ભાવ રૂા. 42,000થી રૂા. 45,000ની વચ્ચે રહે એવી શક્યતા છે.
દેશમાં સામાન્ય રીતે 7000થી 7500 ટન ચાંદીની આયાત થાય છે. દરેક કવાર્ટરમાં 1750થી 1800 ટન હોય છે. 2018-'19ના પ્રથમ કવાર્ટરમાં તેની આયાત 35 ટકાથી 40 ટકા ઓછી છે. બજાર હાલ અનિશ્ચિત છે. જો ચોમાસું સારું જશે તો માગ વધશે. તેમાં દશેરાથી દિવાળીના તહેવારોના દિવસોમાં માગ વધે તો ભાવમાં પણ સંચાર જોવા મળે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer