અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન
અમારા પ્રતિનિધિ તરફથી  અમદાવાદ, તા.14 : જય રણછોડ માખણચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, ના નાદ સાથે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા આજે અમદાવાદમાં ભારે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થઇ હતી . ગજકેસરી યોગ અને પુષ્ય નક્ષત્રના અનોખા સંયોગમાં ભક્તિમય માહોલમાં જમાલપુર જગન્નાથજીના નીજ મંદિરથી સવારે 7 કલાકે પ્રસ્થાન થઇ અમદાવાદ શહેરના રાજ માર્ગો પર ભગવાન જગન્નાથજી ખુદ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે રથમાં સવાર થઇને નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તજનોને સામેથી દર્શનનો લાભ આપી સમી સાંજે 8 કલાકે નીજ મંદિરે કોઇપણ વિઘ્ન વગર પરત ફરતા તંત્રએ હાશકારો લીધો હતો.   અષાઢી બીજના પવિત્ર દિવસે વરસાદ વિશે એવું કહેવાય છે કે અષાઢી બીજ કોરી ન જાય. એવી જ રીતે આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે રથયાત્રા પર અમી છાંટણા થયા હતા.  અમદાવાદને હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે ત્યારે આ વખતની રથયાત્રાને પણ હેરિટેજ રથયાત્રા જાહેર કરાઇ છે અને તેની પ્રતિકૃતિ પણ રથયાત્રામાં રજૂ કરાઇ હતી.   આજે  પરોઢિયે 3-45ની આસપાસ જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના  મંદિરના દ્વાર ખૂલતા જ જય રણછોડ, માખણચોરના નાદ સાથે હજારોની સંખ્યામાં ઊમટી પડેલા ભક્તોએ મંદિર ગજવી મૂક્યું હતું. પરોઢિયે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી. © 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer