આવતી કાલથી ખેડૂતોની હડતાળ : મુંબઈમાં દૂધના ભાવ વધવાની શક્યતા

આવતી કાલથી ખેડૂતોની હડતાળ : મુંબઈમાં દૂધના ભાવ વધવાની શક્યતા
પુણે, તા. 14 : સ્વાભિમાની શેતકરી સંગઠન 16 જુલાઈથી રાજ્યમાં દૂધના ભાવના સંબંધે આંદોલન કરવાના છે. આ આંદોલનમાં અમુક ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોએ પોતાનો ટેકો જાહેર કરતાં દૂધના ભાવ વધવાની શક્યતા છે.   ઓલ-ઈન્ડિયા કિસાન સભાના અજિત નવાલેએ જણાવ્યું હતું કે તેઓ સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે, આ વાતચીત પછી નિર્ણય લેવાશે કે આ આંદોલનમાં ભાગ લેવો કે નહીં. જોકે, તેમણે આ આંદોલનને ટેકો દર્શાવ્યો છે.  અમુક સંગઠનો જેવાં કે ઓલ ઈન્ડિયા કિસાન સભા, ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ, કર્ણાટકના એનસીપીના રાયાતુ પરિશાદ, ડૉ.કુમાર સપ્તરિષી, કૉંગ્રેસ નેતા સતેજ પાટીલ અને અમુક દૂધ એકત્ર કરનારી એજન્સીઓએ આ આંદોલનમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે.  સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રવક્તા યોગેશ પાંડેએ કહ્યું કે, આંદોલનથી મુંબઈમાં દૂધની સપ્લાય ઘટશે. સ્વાભિમાની શેતકરી સંગઠનના સ્થાપક પ્રેસિડેન્ટ રાજુ શેટ્ટીની આગેવાનીમાં 15 જુલાઈના મધરાતથી આ આંદોલન શરૂ થશે.  શેટ્ટીએ જણાવ્યું હતું કે, મુંબઈ અને પુણે તરફ આવતી દૂધની સપ્લાયને રોકવામાં આવશે અને એ વાતની ખાતરી કરવામાં આવશે કે દૂધનું એક ટીપું પણ મુંબઈ સુધી પહોંચે નહીં. અમારી માગણી છે કે ડેરી ખેડૂતોને પ્રતિ લિટર રૂા. 5 ઈનસેન્ટિવ મળે, કેમ કે તેમણે દૂધ પ્રતિ લિટર રૂા. 17-18માં વેચવું પડે છે. સરકાર અમારી સાથે માગણી સંબંધિત વાતચીત કરી રહી નથી. દૂધ એકત્ર કરતી અમુક કંપનીઓએ પણ અમને ટેકો આપ્યો છે અને તેઓ દૂધનું કલેકશન કરશે નહીં.  રાજ્યમાં દૂધનો પુરવઠો ભરપૂર હોવાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી સરકારી ડેરી મહાનંદા દ્વારા પ્રતિ લિટર રૂા. 27ના ભાવે દૂધની પ્રાપ્તિ કરવી જોઈએ. સરકારનો મત છે કે પ્રાઈવેટ ડેરીઓને સબસિડી આપવામાં અમુક મુદ્દાઓ ઊભા થશે તેથી મહાનંદાએ આ વિષયે આગળ આવવું જોઈએ. જો મહાનંદા પ્રતિ લિટર રૂા. 27 ખેડૂતોને ચૂકવે તો રાજ્યની અન્ય ડેરીઓએ પણ આ માળખાને અનુસરવું પડશે. જેથી રાજ્યમાં સ્થિરતા આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.  ગુજરાતથી દૂધની સપ્લાય થાય નહીં એ વાતની ખાતરી હાર્દિક પટેલે આપી છે. શેટ્ટીએ કહ્યું કે, સરકાર અમારી માગ સમક્ષ ધ્યાન આપે તેના માટે છ દિવસ સુધી ખેડૂતોનો ટેકો જરૂરી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાને ખેડૂતોને સલાહ આપી કે તેઓ ઓર્ગેનિક ખેતી અંતર્ગત વિવિધ સ્વદેશી ગાય રાખે. પરંતુ ઉત્પાદન વધુપડતું છે તો દૂધની નિકાસ બાબતે કોઈ નિર્ણય લેવાઈ રહ્યો નથી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer