યુઝર્સનો ડેટા ગુપ્ત રાખો, અન્યથા દંડ ભરો

નવી દિલ્હી, તા. 14 : ભારતમાં કંપનીઓએ યુઝર પાસે મેળવેલો ડેટા ગુપ્ત રાખવો પડશે અને યુઝરની મંજૂરી વગર તેની માહિતી કોઈને વેચી નહીં શકાય. ભારતમાં ડેટા પ્રોટેકશનનું માળખું તૈયાર કરી રહેલી જસ્ટિસ બી. એન. શ્રીકૃષ્ણા સમિતિ આ મુજબની ભલામણ કરવાની છે. ડેટા પ્રાઈવસીના નિયમોનો ભંગ કરવા બદલ પેનલ્ટી લાગુ કરવાની જોગવાઈ પણ કરાશે.  ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે `રાઈટ ટુ પ્રાઈવસી' અંગેના ચુકાદામાં આ અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. તેના અનુસંધાન વ્યક્તિગત મંજૂરી મેળવવાનું ફરજિયાત કરવામાં આવશે. આઈઆઈએમ ઈન્દોરના ડિરેકટર રિશિકેશ ટી. ક્રિષ્ણાને જણાવાયું હતું કે તમે કોઈને ડેટા શેર કરો ત્યારે તમારી પાસે ડેટા લેતા પહેલા તેને તમારી મંજૂરી લેવાની રહેશે. ક્રિષ્ણન આ સમિતિના સભ્ય છે. ભારતમાં પ્રાઈવસી અંગે માળખું ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. પેનલ યુરોપિયન જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (જીડીપીઆર)માંથી પણ કેટલીક જોગવાઈઓ મેળવશે. યુરોપિયન કાયદો ઘણો આકરો છે, જેનો ભંગ કરનારને 20 મિલિયન યુરો અથવા વૈશ્વિક આવકના ચાર ટકા સુધીના દંડની જોગવાઈ છે. ક્રિષ્નને કહ્યું કે અહીં પણ હેતુ સરખો જ છે અને જીડીપીઆરમાંથી અમુક પ્રેરણા લેવામાં આવી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer