માહિતી અધિકાર : કયાં છે પારદર્શકતા ?

માહિતી અધિકાર : કયાં છે પારદર્શકતા ?
સર્વોચ્ચ અદાલતના કેટલાક ચુકાદા માહિતી ધારાને નબળો પાડનારા અને માહિતી મેળવવાના નાગરિકોના અધિકાર પર કાપ મુકનારા છે. દેશની  લોકશાહી માટે આ વલણ ખતરારૂપ છે. જાગૃત નાગરિકોએ તેની સામે એકત્ર થઈને ઝુંબેશ ચલાવવાની જરૂર છે.     જાહેર જીવનમાં પારદર્શકતા માટે કાર્ય કરનારા કર્મશીલોએ માહિતી પ્રાપ્ત કરવાના અધિકારને નાગરિકનો બંધારણીય મૂળભૂત અધિકાર   લેખવાના સર્વોચ્ચ અદાલતના વલણની પ્રશંસા કરી છે અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.   આ વિષે સૌ પ્રથમ સીમાચિહ્ન રૂપ ચુકાદો સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ મેથ્યૂએ ઉત્તર પ્રદેશ વી. રાજ નારાયણ (1975) 4 એસસીસી 428ના કેસમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણા જેવા લોકતંત્રમાં જયાં પ્રજાના પ્રત્યેક પ્રતિનિધીને તેના વર્તન માટે જવાબદાર લેખવો જરૂરી છે ત્યાં બહુ ઓછી બાબતો ગુપ્ત રાખી શકાય. પોતાના પ્રતિનિધિઓ શું કરે છે અને કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રજાને હક્ક છે. પ્રજાનો માહિતી મેળવવાનો અધિકાર વાણીસ્વાતંત્ર્યના અધિકારનો એક હિસ્સો છે. એટલે જે માહિતી જાહેર કરવાથી દેશની સલામતી જોખમાતી ન હોય તેને ગુપ્ત રાખવાના પ્રયાસ થાય ત્યારે આપણે સાવધ થઇ જવું જોઈએ.    અદાલતનું કહેવું એમ હતું કે જાહેર સલામતીને જોખમ ન હોય તેવી બાબતો જ ગુપ્ત રાખવાને યોગ્ય ગણાય. ત્યાર બાદ એસપી ગુપ્તા, રાજગોપાલ, એડીઆર, દિનેશ ત્રિવેદી અને અન્ય કેસોમાં  સીમાચિહ્નરૂપ ચુકાદાઓમાં અદાલતે બંધારણની કલમ 19(1) અંતર્ગત અપાયેલા વાણીસ્વાતંત્ર્યના અધિકાર એક હિસ્સા તરીકે માહિતીના અધિકારનું સમર્થન કરેલું છે. માહિતી ધારા 2005માં આ અધિકારને  કાનૂની સ્વરૂપ અપાયું છે. તેમાં જે બાબતો વિષે માહિતી જાહેર ન કરી શકાય તેવી બાબતોની યાદી અપાઈ છે  તે પણ બંધારણની કલમ 19(2)માં નિર્દિષ્ટ અપવાદોને અનુરૂપ છે. આ કલમમાં સરકારને નાગરિકના સ્વાતંત્ર્ય પર રાષ્ટ્રનું સાર્વભૌમત્વ, દેશની એકતા અને અખંડિતતા, અન્ય દેશો સાથેના મિત્રતાભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, સુરુચિ, નીતિમત્તા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી અને હિંસા માટેની ઉશ્કેરણી જેવાં કારણોસર વાજબી નિયંત્રણો મુકવાની છૂટ  અપાઈ છે.   સંસદે 2005માં માહિતી ધારો પસાર કરીને આ અધિકારને કાનૂની સ્વરૂપ આપ્યું ત્યારે તેને સ્પષ્ટતા કરી હતી કે માહિતી અધિકારમાં જસ્ટિસ મેથ્યૂએ દર્શાવેલો એક અહીં પણ દસ અપવાદ રહેશે. દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ રવિન્દરે ભગત સિંહ વિ. સીઆઈસી ડબ્લ્યુપી કેસમાં 3 ડિસેમ્બર 2007ના રોજ આપેલા ચુકાદામાં માહિતી ધારા પાછળની ભાવનાને યોગ્ય રીતે રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે   13. આ કાયદાની કલમ 3 અન્વયે અપાયેલો માહિતીનો અધિકાર એ અધિકાર છે અને કલમ 8માં બતાવેલા અપવાદો એ અપવાદો છે.  કલમ 8 મૂળભૂત અધિકાર પર નિયંત્રણ મૂકતી હોવાથી તેનું અર્થઘટન કડક રીતે કરવું ઘટે. કાયદામાં અપાયેલા અધિકારને ગ્રહણ લાગે એ રીતે તેનો અર્થ કરી શકાય નહીં. કલમ 8માં જો કોઈ માહિતી જાહેર કરવાથી અપરાધની તપાસ અથવા આરોપીઓ સામેના મુકદ્દમામાં અવરોધ પેદા થાય એમ હોય તો તે માહિતી ગુપ્ત  રાખવાની છૂટ અપાઈ છે. દેખીતી રીતે જ કોઈ કેસમાં માત્ર તપાસ ચાલી રહી છે એટલા કારણસર જ માહિતી આપવાની ઇનકાર થઇ શકે નહીં. માહિતી જાહેર કરવાથી તપાસને હાનિ પહોંચશે એવા તારણ પર આવવા માટે નક્કર આધાર હોવો જરૂરી છે. આવી વિચારણા વગર તો કલમ 8 માત્ર માહિતી દબાવી રાખવા માગનારાઓનું સ્વર્ગ બની જશે.    14. કોઈ પણ અધિકારમૂલક કાયદો એક પ્રકારનું લોકકલ્યાણનું પગલું છે. આવા કાયદાનું અર્થઘટન પણ ઉદાર રીતે કરવું ઘટે. આ કાયદાનો સંદર્ભ અને ઇતિહાસ એવો છે કે કલમ 8માં જણાવેલ અપવાદો, જે સત્તાધીશોને માહિતી આપવાની ફરજમાંથી મુક્તિ આપે છે તે, પ્રસ્તુત કાયદામાં અપાયેલા અધિકારને મર્યાદિત કરે છે. તેથી તેમનું અર્થઘટન પણ એ જ રીતે થવું જોઈએ. આ અભિપ્રાયને અન્ય કેટલાક ચુકાદાઓનું સમર્થન છે (નાથી દેવી વિ. રાધાદેવી ગુપ્તા 2005 (2) એસ સી સી 201; બી આર કપૂર વિ. તમિલનાડુ રાજ્ય 2001 (7) એસસીસી 231 અને વી તુલસમ્મા વિ. શેષ રેડ્ડી 1977 (3) એસસીસી 99). આના સિવાય બીજું કોઈ પણ વલણ અપનાવવાથી અધિકારનું ક્ષેત્ર માર્યાદિત થશે અને કાયદામાં અપાયેલા અધિકાર પર અદાલતની સંમતિ  ધરાવતાં નિયંત્રણોનો નવો વર્ગ અસ્તિત્વમાં આવશે, જે ગેરવાજબી છે.   માહિતી ધારો સ્પષ્ટ  કહે છે કે તેની કલમ 8 અને 9માં દર્શાવેલા કારણોસર જ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય.    નાગરિકોએ આવી આશા સેવી હતી કે અદાલત આ મૂળભૂત અધિકારનું રક્ષણ કરનારા સંત્રીની ફરજ બજાવશે, સરકારી સત્તાધીશોને કડકપણે જવાબદાર લેખશે, તેને લીધે નાગરિકો પોતાની સરકારનો જવાબ માગવા સક્ષમ બનશે અને સમાજમાં વ્યાપક બની ચૂકેલા ભ્રષ્ટાચાર અને વહીવટી મનસ્વીપણા જેવાં દૂષણોને ડામી શકાશે.   માહિતી ધારા વિશે જાગૃતિ વધતી જાય છે. તેણે નાગરિકોને સક્ષમ બનાવીને લોકશાહીને દ્રઢ કરવામાં ફાળો આપ્યો છે. વ્યક્તિગત નાગરિકો સરકાર અને તેના અધિકારીઓ પર નજર રાખનારા પહેરેદારો બન્યા છે અને સમાજમાં વધુ પારદર્શકતા અને ઉત્તરદાયિત્વની ભાવના આવી છે. તેમણે અનેક કૌભાંડો ખુલ્લાં પાડયા છે અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ  કર્યો છે. આને કારણે દેશ ધીમે પણ મક્કમ પગલે ચૂંટણી-આધારિત લોકશાહીથી આગળ વધીને સહભાગી લોકશાહી તરફ ધપી રહ્યો છે.    આ પાર્શ્વભૂમિકાને પડછે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાનું પરીક્ષણ કરવા જેવું છે. વાણીસ્વાતંત્ર્ય, પ્રકાશન સ્વાતંત્ર્ય અને માહિતીનો અધિકાર  ત્રણે બંધારણની કલમ 19(1)માંથી પ્રગટ થાય છે. પહેલા બે તંદુરસ્ત રીતે વિકસી રહ્યાં છે. માહિતીનો અધિકાર છેક 2005માં સ્વીકારાયો અને પ્રારંભિક વર્ષોમાં ખૂબ સુંદર રીતે વિકસ્યો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. મેં વીસ ચુકાદાઓનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી પાંચ ચુકાદા વિશેનું મારું મંતવ્ય કર્મશીલોની એક બેઠકમાં રજૂ કર્યું હતું , જે અમારી વેબસાઈટ (વાાિંાિં://તફાyિંફળયદફષફુફાયિં.શક્ષરજ્ઞ/) પર ઉપલબ્ધ છે. જાગૃત નાગરિકોએ આમાં રસ લેવા આવશ્યક છે. યૂ ટ્યુબ પર પણ તે જોઈ શકાય છે. વાાિંાિંત://|||.yજ્ઞીાિંuબય.  ભજ્ઞળ/|ફાભિંવ?દ=3yસિ0જ્ઞરગીહખ   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer