કૉંગ્રેસ `બેલગાડી'' પક્ષ : મોદી

કૉંગ્રેસ `બેલગાડી'' પક્ષ : મોદી

કૉંગ્રેસના વિવિધ નેતાઓ બેલ (જામીન) પર હોવાના મુદ્દે પીએમનો કટાક્ષ
 
જયપુર, તા. 7 (પીટીઆઈ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જયપુરમાં જાહેરસભાના મંચ પરથી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પ્રચારનો શંખનાદ કરતાં રાજ્યમાં વર્તમાન વસુંધરા રાજે સરકારના શાસનથી નારાજ સમુદાયને કેસરિયા પક્ષ સાથે જોડી રાખવાના વ્યૂહરૂપે 2100 કરોડની વિવિધ13 યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. વિકાસ અમારો એજન્ડા છે, તેવું કહેતાં નમોએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કોંગ્રેસના વિવિધ નેતાઓ બેલ (જામીન) પર હોવાથી આ પક્ષને `બેલગાડી' પણ કહેવાય છે, તેવો માર્મિક પ્રહાર તેમણે કર્યો હતો.
ભારતીય  વાયુદળના ખાસ વિમાનથી સાંગાનેર વિમાન મથકે પહોંચેલા વડાપ્રધાનનું રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ અને મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સ્વાગત કર્યું હતું. મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની 12 યોજનાના લાભાર્થીઓને રૂબરૂ મળીને વાતો પણ કરી હતી.
પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇકના દેખીતા સંદર્ભ સાથે મોદીએ સેનાની ક્ષમતા સામે સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.
રાજસ્થાનના વિવિધ જિલ્લામાં 2100 કરોડના ખર્ચે વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અમરુદોંકા બાગ સ્થિત સભામંચ પરથી રિમોટ દ્વારા કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં યોજનાઓ અટકી જતી, જ્યારે હવે એવું થતું નથી.
મોદીએ 2022 સુધી સરકાર ખેડૂતોની આવક બેગણી કરવા ઇચ્છુક છે. દેશભરમાં 14.5 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવી ચૂક્યા છે. મોદીએ ખર્ચ કરતાં દોઢગણા સમર્થન મ્લ્યૂની પણ વાત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, ભારતમાં પાંચ કરોડ લોકો ગરીબીમાંથી મુકત થઇ ચૂક્યા છે. રાજસ્થાનમાં 80 લાખ શૌચાલયના નિર્માણ કરવામાં આવી ચૂક્યા છે. 2.5 કરોડથી વધુ જનધન ખાતા રાજસ્થાનમાં ખોલી દેવામાં આવ્યા છે. છ લાખ ગરીબોને આવાસ, 70 લાખ લોકોને ઓછા પૈસામાં સુરક્ષા વીમા યોજના છત્ર આપવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, મુખ્યમંત્રી જળ સ્વાવલંબન યોજના માધ્યમથી ચાર હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. પાર્વતી, કાલી, ચંબલ યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે ઘોષિત કરવાની માંગનો પણ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ યોજનાથી 13 જિલ્લામાં રહેનાર વસતીને પીવાનાં પાણીની સુવિધા મળી શકશે. કેન્દ્ર સરકાર આ માંગ ઉપર ઝડપથી આગળ વધશે.
મોદીએ એમ પણ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત હેઠળ 50 કરોડ લોકોની મફતમાં સારવાર કરવામાં આવી છે. ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બેન્ક ખાતા, વીજળી, ગેસ, રસીકરણ, સુરક્ષા કવચ, એલઇડી બલ્સની ખાતરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં અનેક ગામોને પણ?ફાયદો થઇ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer