હેરિટેજ દરજ્જો : અમદાવાદમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 13 ટકા વધી

હેરિટેજ દરજ્જો : અમદાવાદમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 13 ટકા વધી

યુનેસ્કોની માન્યતાને એક વર્ષ પૂર્ણ; વિદેશીઓને શહેરના જૂના દરવાજા, સિદી સૈયદની જાળી અને પોળમાં રસ પડયો

અમદાવાદ, તા. 7: ગયા વર્ષે જુલાઇમાં યુનેસ્કોએ અમદાવાદને એકમાત્ર હેરિટેજ શહેર તરીકે માન્યતા આપી ત્યારથી શહેરને જાણે લોટરી લાગી છે. હેરિટેજ શહેર જાહેર થયા પછી અમદાવાદ પ્રવાસે આવતા વિદેશી યાત્રીઓની સંખ્યામાં 13%નો ઝડપી વધારો નોંધાયો છે.
વિદેશી પ્રવાસીઓનો લાભ અગાઉ રાજસ્થાનના સ્થાપત્યો, કિલ્લાઓ અને ઐતિહાસિક ઇમારતોને લીધે મળતો હતો પણ હવે ગુજરાતને ય ફાયદો થશે. ગુજરાત અગાઉ વિદેશી અને દેશી પ્રવાસીઓને આકર્ષવામાં પાછળ હતુ.
ગુજરાત સરકારની સંસ્થા `ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન' ના મુખ્ય કન્સલ્ટન્ટ આર.એમ.પટેલ કે જેઓ અમદાવાદ હેરિટેજ સિટી જાહેર થયા પછીના છેલ્લા એક વર્ષનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ કહે છે, 2016 - 17 માં અમદાવાદમાં વિદેશી યાત્રીઓ 1.22 લાખ આવ્યા હતા જે વર્ષ 2017 - 18 માં વધીને 1.38 લાખ  થઈ ગયા એટલે કે 13 ટકાનો જબરજસ્ત વધારો થયો છે.  દેશી અને વિદેશી યાત્રીઓની વાત કરીએ તો કુલ મળીને ગયા વર્ષમાં  66 લાખ યાત્રીઓ આવ્યા હતા તે 2017-18માં 75 લાખ થઇ ગયા છે. 
અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષભાઈ શર્મા જણાવે છે કે `અમે તો ઘણા સમયથી અમદાવાદમાં હેરીટેજ વોક પણ શરૂ કરી છે અને અમારી હેરિટેજ વોકમાં હવે 40 ટકા યાત્રીઓ પણ હોય છે. અક્ષર ટ્રાવેલ્સ દ્વારા સરકારની સાથે રહી અમદાવાદ કોર્પોરેશનના સહયોગથી આ હેરિટેજ વોક શરૂ કરવામાં આવી છે. 
અમદાવાદની આ હેરીટેજ વોક સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ અને ત્યાં જ પૂર્ણ થાય છે એ દરમિયાન જૂના કલાત્મક સ્થાપત્ય, અમદાવાદની પોળ જૂના ઘર અમુક વિદેશી ઢબના ઘરો સહિત અલગ-અલગ જગ્યાની મુલાકાત તેમાં કરાવાય છે.
અત્યાર સુધી દેશી અને વિદેશી પર્યટકોને અમદાવાદમાં માત્ર ગાંધી આશ્રમની મુલાકાતનો હેતુ રહેતો પરંતુ હવે સીદી સૈયદની જાળી, જૂના શહેરમાં આવેલા દરવાજાઓ, પોળ, વિદેશી સ્ટાઇલના જુના બાંધકામો, સરખેજ રોજા અને અનેક સ્થાપત્યોની મુલાકાત લેતા થઈ ગયા છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશમાં જો આ પ્રકારની ધરોહર હોય તો તેમનો સાચવવાનો એક અલગ જ વિભાગ હોય છે. એમાંથી કમાણી પણ થાય છે. ગુજરાતમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો મળ્યો એટલે આકર્ષણ વધ્યું છે પણ બીજા શહેરોમાં ય આ રીતે પ્રવાસીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવે તો જરુર ફાયદો થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer