ડાંગમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ : જિલ્લાના 16 માર્ગો બંધ કરાયા

ડાંગમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ : જિલ્લાના 16 માર્ગો બંધ કરાયા

પ્રવાસીઓને સતર્ક રહેવા સૂચના 
 
સુરત, તા. 7 : મેઘરાજાએ મન મૂકીને રાજ્યના ચેરાપુંજી ગણાતાં ડાંગ જિલ્લામાં ગઈકાલથી પાણી વરસાવવાનું શરૂ કર્યું છે. પાછલા ચોવીસ કલાકમાં ડાંગ જિલ્લામાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ ભારે વરસાદના પગલે સહ્યાદ્રિની ગિરકંદરાઓ વચ્ચે આવેલા આહવા સહિતના પ્રવેશદ્વાર એવા વઘઈ અને નવરચિત સુબિરમાં જનજીવનને અસર પહોંચી છે. સાપુતારાના પહાડોમાંથી નીકળતી અંબિકા નદી બન્ને કાંઠે વહેવા લાગી છે. 
ભારે વરસાદનાં પગલે ડાંગમાંથી નીકળી અંબિકા નદીની સાથે પૂર્ણા, ગીરા, ખાપરી અને ધોધડ નદીમાં વરસાદનાં નીર ફરી વળ્યાં છે. ગઈકાલથી શરૂ થયેલા વરસાદના કારણે જિલ્લા પ્રશાસને 16 જેટલા આંતરિક માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ડાંગ જિલ્લા સહેલાણીઓની સંખ્યા પ્રમાણમાં વધારે રહેતી હોવાથી કોઈ પણ જાતની દુર્ઘટના ન સર્જાય તે માટે બન્ને કાંઠે હોમગાર્ડ્સ અને ગ્રામરક્ષક દળના જવાનોને ફરજ પર નિયુક્ત કર્યા છે. 
આ ઉપરાંત વઘઈથી સાપુતારા, વઘઈથી આહવા, આહવાથી સાપુતારા, આહવાથી મહાલ અને મહાલથી સુબિર જેવા દુર્ગમ અને ઘાટમાર્ગો ઉપર ભુસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતાં હોવાથી તંત્રે અગમચેતના ભાગરૂપે ટીમોને તહેનાત રાખી છે. ડાંગ ઈકો ટૂરિઝમ જિલ્લો હોવાથી પ્રવાસીઓની સંખ્યા વધારે છે. તેમાં પણ વરસાદમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી કલેક્ટરે પ્રવાસીઓને તકેદારી રાખવા અને નદીની આજુબાજુના વિસ્તારમાં જોખમ ખેડીને સેલ્ફી કે ફોટા નહિ પાડવાની સલાહ આપી છે. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાનાં ગામના 8843 લોકોને અસર પહોંચી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer